સહકારિતા ને માધ્યમ બનાવીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવામાં આવશે: સહકાર રાજ્યમંત્રી
ભારતીય જનતા પક્ષ સહકારીતા સેલના પદાધિકારીઓ સાથે કર્યો વ્યાપક પરામર્શ.
સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા( પંચાલ) એ ભારતીય જનતા પક્ષના સહકારીતા સેલ આયોજિત કાર્યક્રમમાં સહકારિતા ના નવા ક્ષેત્રોમાં વિકાસના સૂચનો મેળવવાની સાથે,આ ક્ષેત્રના પ્રશ્નો અને નિરાકરણ નો સઘન વિમર્શ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના શહેર એકમ દ્વારા સહકાર મંત્રી આપને દ્વાર કાર્યક્રમ વી.સી.સી.આઇ.ના સભાખંડમાં યોજવામાં આવ્યો હતો.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતો અને અન્ય સમુદાયોના કલ્યાણ માટે સહકારિતા નો વિપુલ વિનિયોગ કરવાની હિમાયત કરી છે.
તેવી લાગણી વ્યક્ત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને ખેડૂતોને તેના તરફ વાળવા આ ક્ષેત્રના વિનિયોગ ની વિચારણા કરવામાં આવી રહી છે.તેમણે જણાવ્યું કે રાજ્યના જિલ્લાઓની મુલાકાત દરમિયાન સહકારી આગેવાનોને મળીને વિવિધ ક્ષેત્રોમાં સહકારી વ્યવસ્થાના વિકાસ અને અડચણોનો તાગ લેવાના અભિગમ હેઠળ આજે વડોદરા જિલ્લામાં સંવાદ કર્યો છે.હું મારા મંત્રીપદ હેઠળના તમામ વિભાગોના પદાધિકારીઓ ને મળીને ચર્ચા કરૂ છું.
સહકારીતા માં અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને મજબૂત કરવાની તાકાત છે.ગુજરાતે કૃષિ અને પશુપાલન સાથે જોડાયેલા લોકોના આર્થિક મજબૂતીકરણ માટે આ ક્ષેત્રનો નમૂનેદાર ઉપયોગ કર્યો છે.અમારો આશય તેને વધુ સર્વ વ્યાપક બનાવવાનો છે.શહેર અધ્યક્ષ ડો.વિજય શાહના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના અધ્યક્ષ શ્રી દિનેશભાઈ પટેલ, સહકારીતા સેલના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ,પૂર્વ ધારાસભ્ય અને સહકારિતા અગ્રણી શ્રી સતીષ પટેલ( નિશાળિયા) , બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકના અધ્યક્ષ શ્રી અતુલ ચંદુભાઈ પટેલ સહિત સેલના પદાધિકારીઓ અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.