સહયોગ ચોકડીએ સર્કલ બનાવવાની માંગ સાથે લોકોએ ૩ કલાક ચક્કાજામ કરતા પોલીસે રાતોરાત બેરીકેડ લગાવી હંગામી સર્કલ બનાવ્યું
બાલાસિનોરથી પિતાને બર્થડે વિશ કરવા કૃપા તેના પતિ પાર્થ ભાવસાર સાથે મોડાસા પહોંચ્યા બાદ બર્થડેની ઉજવણી માટે એક્ટિવા પર હોટલનું ફૂડ લઇ દંપતી મોડાસા સહયોગ બાયપાસ ચોકડી પરથી પસાર થતા ટ્રક કન્ટેનરે એક્ટીવાને અડફેટે લેતા સગર્ભા કૃપા ભાવસાર નામની યુવતીના મોત પછી નગરજનોમાં આક્રોશ વ્યાપ્યો હતો
સર્કલના અભાવે છાસવારે અકસ્માતમાં નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓનો ભોગ લેવાતા ભાવસાર સમાજ સંગઠન દ્વારા ધરણા યોજી રામધૂન કરાઈ અને અન્ય રહીશો આ વિરોધ કાર્યક્રમમાં સાથે મળ્યા અને ચક્કાજામ સર્જી દેવાતાં ચાર માર્ગીય રોડ ની ચારેકોર વાહનોની કતારો જામી હતી
મંગળવારે સાંજે સહયોગ બાયપાસ ચોકડી પર લોકોએ કરેલ આંદોલનના પગલે ત્રણ કલાક સુધી ચક્કાજામ રહેતા પોલીસ તંત્ર દોડતું થયું હતું પોલીસ અધિકારીઓ એ કાયદો હાથમાં લેનાર સામે પ્રથમ સમાધાન અને પછી લાલ આંખ કરતા ઘટના સ્ળથે પોલીસ સાથે ઘર્ષણનો બનાવ બને તે પહેલા અગ્રણીઓએ મધ્યસ્થી કરી હતી અને છેવટે ઘી ના ઠામમાં ઘી ઢળ્યું હતું. લોકોની સર્કલની માંગને પગલે ઘટનાસ્થળે હાજર ડીવાયએસપી ભરત બસીયાએ લોકો માંગ યોગ્ય હોવાથી તંત્રની મદદથી રાતોરાત સહયોગ બાયપાસ ચોકડી પર બેરીકેડ લગાવી હંગામી સર્કલ ઉભું કરી દીધું હતું
મંગળવારે સાંજે સહયોગ ચોકડી પર સર્કલ બનાવવાની માંગ સાથે લોકોએ જનઆંદોલન છેડી ચક્કાજામ કરતા સતત વાહનોથી ધમધમતો હાઈવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો ૫ કિમી થી વધુ વાહનો રોડ પર અટવાઈ ગયા હતા ચક્કાજામના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ કાફલો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઘટનાસ્થળે પહોંચ્યો હતો લોકો સર્કલની માંગ પર અડગ હોવાથી આખરે એસડીએમ પણ ત્રણ કલાક પછી પહોંચવા મજબુર બન્યા હતા અને ચક્કાજામ પર બેઠેલા લોકો અને અગ્રણીઓ સાથે ચર્ચા કરી ટૂંક સમયમાં સર્કલ બનાવવાની બાંહેધરી આપી મામલો થાળે પાડ્યો હતો
ડીવાયએસપી ભરત બસિયા,ટાઉન પીઆઈ વાઘેલા અને તેમની ટીમે સહયોગ બાયપાસ ચોકડી પર અકસ્માતની ઘટનાની સમસ્યા હાલ પૂરતી ટાળવા માટે મંગળવારે રાત્રે જ સહયોગ બાયપાસ ચોકડી પર બેરીકેડ લગાવી સર્કલ ઉભું કરી દીધું છે