સહારાના રણમાં બરફવર્ષા: વૈજ્ઞાનિકો આ ઘટનાને ખતરાની ઘંટડી ગણાવી રહ્યા છે

નવી દિલ્હી, દુનિયાના સૌથી ગરમ સ્થળોમાં સ્થાન પામતા સહારાના રણમાં પડેલા બરફની આજકાલ ભારે ચર્ચા ચાલી રહી છે. સહારાનુ વિશાળ રણ અગિયાર દેશોમાં ફેલાયેલુ છે.ગ્લોબલ વોર્મિંગના કારણે રણનો વિસ્તાર વધી રહ્યો છે.
રણના વિસ્તારમાં 10 ટકા જેટલો વધારો છેલ્લા કેટલાક વર્ષોમાં થઈ ચુકયો છે.સહારાના રણમાં 180 મીટર સુધીની ઉંચાઈના રેતીના ઢુવા જોવા મળતા હોય છે.અહીંયા મહત્તમ 58 ડિગ્રી સુધી તાપમાન નોંધાયેલુ છે.તેવામાં આટલી સુકી જગ્યામાં બરફ પડવાની ઘટનાએ વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે.
સહારામાં કેટલાક હિસ્સામાં ટેમ્પરેચર ઝીરો ડિગ્રીથી નીચે જતુ રહ્યુ હતુ અને બરફ પડવા માંડ્યો હતો.42 વર્ષોમાં અહીંયા પાંચ વખત બરફ પડયો છે.2021માં પણ કેટલીક જગ્યાયે બરફ વર્ષા થઈ હતી.
દરમિયાન બરફ પડવાના કારણે ટેમ્પરેચર માઈનસ બે ડિગ્રી સુધી ગયુ હતુ.સોશિયલ મીડિયા પર બરફની તસવીરો વાયરલ થઈ રહી છે.
જાણકારો આ બદલાવ માટે ક્લાઈમેટ ચેન્જને કારણભૂત માની રહ્યા છે.સાયન્સ નામની જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે ગ્લોબલ વોર્મિંગ જેવા કારણોથી સહારા જેવી જગ્યાઓએ ઠંડી હવાઓ ફૂંકાવાની શક્યતા વધી ગઈ છે.