સાંગોલ અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીના અધિકારીઓની જોહુકમી સામે કામદારોનું હલ્લાબોલ
(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સાંગોલ ગામ નજીક આવેલ સિમેન્ટ ફેકટરી શરૂ થઈ ત્યારથી જ વિવાદમાં રહી છે. તેના કર્મચારીઓની દાદાગીરીથી વર્કરો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આજ રોજ તાઃ- ૦૨-૦૭-૨૦૧૯ ના રોજ જ્યારે લગભગ ૪૦-૫૦ કામદારો રાબેતા મુજબ કામ ઉપર ગયા ત્યારે તેઓને આજે ઓડિટ છે, ચાર દિવસ આવશો નહિ. તેમ જણાવી બહાર ધકેલી મુકવામા આવ્યા હતા. જે બાબતે ગળતેશ્વર મામલતદાર કચેરી ખાતે ૧૦૦ કામદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
કામદારોના આગેવાન ભીખાભાઈ મહેરાના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ-ચાર વર્ષથી અમો અલ્ટ્રાટ્રેક કંપનીમાં કામ કરતા હતા. પરંતુ આજરોજ સવારે ૮ઃ૩૦ વાગે એચ-આર તરફથી અમો કર્મચારીઓને પ્લાન્ટ બંધ કરી વગર વેતને રજા પાડવા જણાવ્યું હતું. અને સતત ચાર દિવસ કામ ઉપર આવવું નહીં તેમ જણાવ્યું હતું. અમો કામદારો કંપની પ્રીમાઇસીસ બહાર ભેગા થયા અને આ સમસ્યાના સુખદ નિકાલ માટે ચર્ચા કરતા હતા ત્યારે પોલીસ દ્વારા અમોને કામ ઉપર પરત જવા અથવા ઘરે ચાલ્યા જવા જણાવ્યું હતું. અને પોલીસની ગાડી બોલાવી હતી. જેઓ દંડા લઈ ઉતરી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેથી અમો કામદારો ગળતેશ્વર મામલતદાર કચેરી ખાતે ન્યાયના હિતમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને વધુમાં તેઓએ જણાવ્યું કે આ અગાઉ પણ બે, ત્રણ વખત અમોને વાતચીત માટે બોલાવ્યા હતા પરંતુ કોઈ નીકાલ આવ્યો નથી. આ વગર અમારી સિમેન્ટ પ્લાન્ટને લગતા કોઈ લાભો મળતા નથી. જેવાકે ડસ્ટ એલાઉન્સ, એચ.એલ.સી.એલ, પી.એલ, મેડિકલ જેવા વિગેરે મહત્વના લાભો જે એક કામદારને મળવા પાત્ર છે તેમ છતાં અમોને ગેરકાયદેસર દબાણ આપી મજૂરી કરવા મજબૂર કરે છે. તેમ જણાવી હૈયા વરાળ ઠાલવી હતી. બીજા એક કામદાર અલ્પેશભાઈ મહેરાને વાત કરતા તેઓએ જણાવ્યું કે અલ્ટ્રાટ્રેક કંપનીમાં અધિકારીઓની દાદાગીરી ચાલે છે. તેઓ જેને ના પાડે તેઓને કામ ઉપર ચઢવા નહિ દેવામાં આવતા તેઓ કામદારો જોડે ગેરવર્તન કરે છે. અમો તેમના ત્રાસથી પાકી ગયા છીએ. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી ધવલ દેસાઈને રજુઆત કરવામાં આવી હતી.ટી.ડી.ઓએ ધ્યાનપૂર્વક સાભળી હતી. અને કાયદાકીય મદદરૂપ બનવાની ખાત્રી આપી હતી.
આ બાબતે અલ્ટ્રાટ્રેક કંપનીના એચ.આર રિતેશ શાહુ સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે ઐસા કુછ નહિ હૈ, ઉનકો બતાયે કે આપના ડ્યુટી જોઈન કર લે. ઔર અભી આપકો કુછ નહિ લીખના હૈ, મેં આપશે મિલ લેતા હું એવુ જણાવ્યું હતું. પરિસ્થિતિ નો યોગ્ય નિકાલ નહિ આવે તો ગાંધી ચિધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાના છીએ એવું કામદારો દ્વારા જણાવાયું હતું. ત્યારબાદ કામદારોએ નાયબ કલેકટર ઠાસરાને પણ આ બાબતે યોગ્ય ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવા રજુઆત કરી હતી. *