Western Times News

Gujarati News

સાંતલપુર તાલુકાના ૧૭ ગામના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળશે

વારાહીથી કિસાન સૂર્યોદય યોજનાનો આરંભ કરાવતા મંત્રી વાસણભાઇ આહિર

પાટણ,  સાંતલપુર તાલુકાના વારાહી માર્કેટ યાર્ડ ખાતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ મંત્રીશ્રી વાસણભાઇ આહીરની ઉપસ્થિતિમાં કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત કરવામાં આવી. આ યોજનાનો અમલ શરૂ થતા સાંતલપુર તાલુકાના ૧૭ ગામના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ થશે.

આ પ્રસંગે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ મંત્રીશ્રી વાસણભાઇ આહીરે જણાવ્યુ હતું કે ભૂતકાળમાં સાંતલપુર તાલુકાની પરિસ્થિતી અતિવિકટ હતી એ સૌને યાદ છે. વીજળી અને પાણી સહિતના અનેક પ્રશ્નો હતા. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જળસંચયની કલ્યાણલક્ષી યોજનાઓથી પાણીનો પ્રશ્ન દૂર કરવાનો નિર્ધાર કરી સમસ્યાનું સમાધાન કર્યું.

એજ રીતે ડાર્ક ઝોનમાં આવતા ગામડાઓમાં નવું અજવાળું પાથરતાં જયોતિગ્રામ યોજના શરૂ કરી. રાજયના વર્તમાન સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પણ ખેડૂતો રાતના ઉજાગરામાંથી મુક્ત બને એવા શુભ આશય સાથે કિસાન સૂર્યોદય યોજનાનો રાજયભરમાં પ્રારંભ કરાવ્યો છે.

મંત્રીશ્રીએ ખેડૂતોને ભવિષ્યમાં સૌરઊર્જા થકી વીજળીનો સંચય કરીને આર્થિક સમૃદ્ધિ હાંસલ કરવા માટે પણ આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કંડલા પોર્ટના ટ્રસ્ટી ભરતભાઇ રાજગોરે જણાવ્યું હતું કે કોઇપણ દેશની પ્રગતિ માટે ગ્રામ્ય વ્યવસ્થા સુદ્રઢ બને એ ખૂબ જરૂરી છે. વર્તમાન સરકાર પણ એજ દિશામાં આગળ વધી રહી છે. પ્રધાનમંત્રીશ્રી દ્વારા તાજેતરમાં જ કિસાન સન્માન નિધિ યોજના થકી ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરવામાં આવ્યા છે.

સરકારના હૈયે સદાય ખેડૂતોનું હિત વસેલું છે. યુ.જી.વી.સી.એલ.ના વિશેષ મુખ્ય ઇજનેરશ્રી એલ.એ.ગઢવીએ કિસાન સૂર્યોદય યોજનાની માહિતી આપીને સૌરઊર્જા થકી ખેડૂતો વીજ ઉત્પાદન કરીને કેવી રીતે આર્થિક ઉપાર્જન કરી શકે છે એનો ખ્યાલ આપ્યો હતો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર, વારાહી એપીએમસીના ચેરમેન હરિસિંહ વાઘેલા, યુ.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઇજનેરશ્રી એ.એચ.પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.