સાંસદો ઠાકુર-વર્મા વિરુદ્ધની હેટસ્પીચની અરજી નકારાઈ
નવી દિલ્હી, હેટ સ્પીચમાં સંડોવાયેલા ભાજપના બે સાંસદો સામે પોલીસ કાર્યવાહી માટે કરવામાં આવેલી અરજી દિલ્હીની એક કોર્ટે ફગાવી દીધી છે. નાગરિકતા અંગેના નવા કાયદા વિરુદ્ધ આ વર્ષના જાન્યુઆરી ફેબ્રુઆરીમાં શાહીન બાગમાં થઇ રહેલા દેખાવો વખતે ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માએ હેટ સ્પીચ આપીને હિંસક તોફાનો થાય એવું વાતવરણ સર્જ્યું હતું. આ બંને સામે કાયદેસરનાં પગલાં લેવા એવી અરજી દિલ્હીની એક કોર્ટે ફગાવી દીધી હતી. સામ્યવાદી પક્ષના નેતા વૃન્દા કરાતે કરેલી અરજી કોર્ટે રદ કરી દીધી હતી. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વિશાલ પહુજાએ વૃન્દાને કહ્યું હતું કે આ બંને સાંસદો સામે એફઆઇઆર નોંધવા માટે ક્રિમિનલ પ્રોસિજર કૉડની કલમ ૧૯૬ હેઠળ કેન્દ્ર સરકારની પરવાનગીની જરૂર પડશે. તમે કેન્દ્ર સરકારની પરવાનગી લીધી છે? એવો સવાલ કોર્ટે પૂછ્યો હતો. એના જવાબમાં વૃન્દા કરાતના વકીલે આવી કોઇ પરવાનગી લીધી નથી એમ જણાવતાં કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.
અગાઉ વૃન્દા કરાત નવી દિલ્હીના પોલીસ કમિશનર ઉપરાંત સંબંધિત પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઑફિસરને પણ આ બંને સાંસદો સામે કેસ કરવા બાબત પત્ર લખી ચૂક્યાં હતાં. કોઇ જવાબ ન મળતાં તેમણે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. તેમનો આક્ષેપ એવો હતો કે આ વર્ષના જાન્યુઆરીની ૨૭મીએ અનુરાગ ઠાકુરે શાહીન બાગના દેખાવકારોને ધાકધમકી આપી હતી. ઠાકુરે દેખાવકારોને દેશદ્રોહી કહ્યા હતા. અગાઉ ચૂંટણી પંચને પણ આ બંને સાંસદો વિરુદ્ધ ફરિયાદ કરાઇ હતી ત્યારે ચૂંટણી પંચે આ બંનેને દિલ્હીની ચૂંટણીના સ્ટાર પ્રચારક તરીકે અયોગ્ય ઠરાવ્યા હતા અને એમને કોઇ પણ સભા સંબોધવા કે અન્ય રીતે પ્રચાર કરવા પર પ્રતિબંધ લાદ્યો હતો.SSS