Western Times News

Gujarati News

સાંસદ કિરીટ સોલંકીના બંને ઘરઘાટીના નાર્કો ટેસ્ટ થશે

અમદાવાદઅમદાવાદના સાંસદ કિરીટ સોલંકીના ઘરમાં ચોરી થઈ હોવાની ફરિયાદ થયાના એક દિવસ બાદ શહેર પોલીસ અધિકારીઓએ ભાજપ સાંસદના ઘરમાં ઘરઘાટી તરીકે કામ કરતી બે બહેનોનો નાર્કો ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું છે. સોલંકીનો પુત્ર મેહુલ (૪૩) રાણીપમાં રહે છે અને રિયલ્ટી ડેવલપર છે.

તેમણે રાણીપ પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, બંને આરોપી જયા વાઘેલા (૨૨) અને તેની નાની બહેન રિટાએ (૧૯) ૧૦ લાખ રૂપિયાના ઘરેણાની ચોરી કરી છે.

ડીસીપી ઝોન-૨ના વિજય પટેલે કહ્યું કે, ‘આરોપી મહિલાઓ સતત ઈનકાર કરી રહી છે કે આ કેસમાં તેમની કોઈ સંડોવણી નથી. અમે તેમનો કોલ ડેટા રેકોર્ડ્‌સ માગ્યો છે અને બંનેના નાર્કો ટેસ્ટ માટે કોર્ટ પાસેથી મંજૂરી માગીશું. ઘરઘાટીના રજિસ્ટ્રેશન અંગે પૂછતાં રાણીપ પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર જે.બી. ખાભંલાએ કહ્યું કે, પોલીસ સ્ટેશનમાં જયાનું નામ નોંધાયેલ છે, પરંતુ લોકડાઉન દરમિયાન સાંસદના ઘરે અન્ય ચાર ઘરઘાટીઓએ પણ મુલાકાત લીધી હતી.

બંને ઘરઘાટી સામે આઈપીસીની કલમ ૩૮૧ (માલિકના કબજામાં રહેલી સંપત્તિની ઘરઘાટી દ્વારા ચોરી) અને ૧૧૪ (ગુનો કરવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર ગુનેગાર) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, મેહુલ અને તેની પત્ની બેડરુમના વોર્ડરોબમાં રહેલા લોકરમાં કેટલાક ઘરેણા રાખતા હતા. થોડા સમય પહેલા ડિજિટલ લોક સેટિંગમાં ગરબડ થતાં તેઓ ચાવી વાપરતા હતા. દંપતી સિવાય, બંને ઘરઘાટી જાણતી હતી કે, વોર્ડરોબમાં ક્યાં લોકરની ચાવી રાખેલી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.