સાંસદ ગૌતમ ગંભીર 25 સેક્સ વર્કસ દીકરીઓની બધી જવાબદારી ઉઠાવશે
નવી દિલ્હી : પૂર્વ ક્રિકેટર અને ઇસ્ટ દિલ્હીથી બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે સેક્સ વર્કસની દીકરીઓના શાનદાર ભવિષ્ય માટે ઘણી પ્રેરણાદાયક પહેલ કરી હતી. ગૌતમ ગંભીરે દિલ્હીના જીબી રોડ વિસ્તારમાં કામ કરતી 25 સેક્સ વર્કર્સની દીકરીઓની જવાબદારી ઉઠાવવાની જાહેરાત કરી છે. ગંભીરે કહ્યું કે સમાજના દરેક વ્યક્તિને સારું જીવન જીવવાનો અધિકાર છે અને હું સુનિશ્ચિત કરવા માંગું છું કે આ દીકરીઓને તક મળે. જેથી તે પોતાના સપના સાકાર કરી શકે. હું તેમની શિક્ષા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખીશ. હાલ 10 દીકરીઓની પસંદ કરવામાં આવી છે. જે આ સત્રમાં અલગ-અલગ સરકારી સ્કૂલમાં ભણી રહી છે.
ગંભીરે કહ્યું કે આગામી સત્રમાં આ કાર્યક્રમમાં વધારે દીકરીઓને સામેલ કરવામાં આવશે અને ઓછામાં ઓછી 25 દીકરીઓની મદદ કરવાનો લક્ષ્ય નિર્ધાર કરવામાં આવ્યો છે. પૂર્વ ક્રિકેટરે કહ્યું કે આ દીકરીઓ હાલ દિલ્હીના શેલ્ટર હોમ્સમાં રહે છે પણ તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. 5 થી લઈને 18 વર્ષની દીકરીઓને કાઉન્સિલિંગના માધ્યમથી સશક્ત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. જેથી તે પોતાનો અભ્યાસ અધવચ્ચે ના છોડે.
ગંભીરની આ પહેલને ‘પંખ’નામ આપવામાં આવ્યું છે. ગંભીરે અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ આ દીકરીઓને મદદ કરવા ઇચ્છે છે અને તેમની શિક્ષા, સ્વાસ્થ્ય, ખાવા-પીવા વગેરે જરૂરિયાત માટે આર્થિક સહયોગ કરવા માંગે છે તો આ પહેલ સાથે જોડાઈ શકે છે. ગંભીરે જણાવ્યું કે 31 જુલાઈએ તેની નાનીનો જન્મ દિવસ છે. આ દિવસે તેમના આશીર્વાદથી આ નવી પહેલની શરૂઆત કરી છે. તમને જણાવી દઈએ કે ગંભીર ફાઉન્ડેશન દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર 200 શહીદોના બાળકો માટે શાનદાર ભવિષ્ય માટે કામ કરી રહ્યું છે.