સાંસદ નવનીત રાણા અને તેમના પતિના જામીન ના મંજૂરઃ 29 એપ્રિલ સુધી જેલમાં જ રહેશે

નવી દિલ્હી, મહારાષ્ટ્રમાં ગાજી રહેલા હનુમાન ચાલીસા વિવાદમાં સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને સેશન્સ કોર્ટમાંથી પણ રાહત મળી નથી.
દંપતિને 29 એપ્રિલ સુધી જેલમાં જ રહેવુ પડશે અને એ પછી તેમની જામીન અરજી પર સુનાવણી થશે. આજે સેશન્સ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી.
નવનીત રાણા હાલ મુંબઈની ભાયખલ્લા અને રવિ રાણા નવી મુંબઈની તલોજા જેલમાં છે. રવિવારે બાંદ્રા કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.
29 એપ્રિલે પોલીસ હવે પોતાનો જવાબ સુપરત કરશે.એ પછી રાણા દંપતિની જામીન અરજી પણ આગળ સુનાવણી થશે. મુંબઈ પોલીસ શું જવાબ આપે છે તે જોવાનુ રહે છે.
દરમિયાન કેન્દ્રના ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસે આ મામલામાં રિપોર્ટ માંગી છે.
નવનીત રાણા અને તેમના પતિએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
નવનીત રાણાએ આરોપ મુક્યો છે કે, દલિત હોવાથી મને કસ્ટડીમાં પાણી પણ પૂછવામાં આવ્યુ નહોતુ. મને જાતિ વિષયક ગાળો પોલીસે આપી હતી.