સાઉથ આફ્રિકાથી કલોલ આવેલા યુવકમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો દેખાયા
કલોલ: ગુજરાતમાં કોરોનાના વિદેશી સ્ટ્રેનને લઈને ચિંતા વધી ગઈ છે, ત્યારે આફ્રિકામાં હાહાકાર મચાવનાર કોરોનાના એલ-વન અને એલ-ટુ ટાઈપ સ્ટ્રેનનાં શંકાસ્પદ લક્ષણો ધરાવતો દર્દી મળી આવતાં ગાંધીનગરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મૂળ કલોલનો રહેવાસી યુવાન થોડા દિવસો અગાઉ જ સાઉથ આફ્રિકાથી ગાંધીનગર આવેલો હતો, જેને કોરોનાનાં લક્ષણો જણાતાં ત્રણ દિવસ અગાઉ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, વિદેશી સ્ટ્રેનનાં લક્ષણો બાબતે હાલ તેનાં સેમ્પલ પુણે મોકલી આપવામાં આવ્યાં છે.
૨ માર્ચે સાઉથ આફ્રિકાથી ગાંધીનગરના કલોલના બોરી?સણા ખાતેના ૩૧ વર્ષીય યુવાનને કોરોનાનાં લક્ષણો જણાતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જેનો ટેસ્ટ કરવામાં આવતાં વિદેશી સ્ટ્રેનનાં શંકાસ્પદ લક્ષણો તેનામાંથી મળી આવ્યાં છે. આફ્રિકામાં તબાહી મચાવનારા નવા સ્ટ્રેન ગાંધીનગરના યુવાનમાંથી મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ નિયતિબેન લાખાણીએ જણાવ્યું હતું કે કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ, યુવાન આફ્રિકાથી આવ્યો હોવાથી તેનો આરટી પીસીઆર ટેસ્ટ કરતાં તે પોઝિટિવ મળી આવ્યો છે, જેનાં સેમ્પલ કુરિયર મારફત પુણેની લેબોરેટરીમાં મોકલી આપ્યાં છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ વધુ હકીકત જાણવા મળશે. હાલમાં તેના ઘરની હિસ્ટરી મેળવીને યુવકના સંપર્કમાં આવેલા લોકોને આઈસોલેટ કરવામાં આવી રહ્યા છે.
કલોલનો યુવક સાઉથ આફ્રિકાથી ૨ માર્ચના રોજ ગાંધીનગર આવી ગયો હતો. કોરોના ગાઇડલાઇન્સ મુજબ, કોઈપણ વિદેશી પ્રવાસી ગુજરાત આવે તો તરત જ તેનો આરટી પીસીઆર ટેસ્ટ કરી રિપોર્ટ તંત્રને મોકલી આપવાનો હોય છે. ત્યારે કલોલનો યુવાન બીજી માર્ચે ગાંધીનગર આવ્યો હોવા છતાં તંત્રને દસેક દિવસ પછી તેની જાણ થઈ છે ને ટેસ્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો છે. ત્યારે આટલા દિવસો સુધી યુવક કેટલાય લોકોના સંપર્કમાં આવી ચૂક્યો હશે.
થોડા વખત અગાઉ રાજકોટનું દંપતી યુકેથી ગુજરાત આવ્યું હતું. ત્યાંથી પુત્રને સાથે લઈને દંપતી ગાંધીનગર આવતાં ટેસ્ટ બાદ તેમનામાં પણ શંકાસ્પદ લક્ષણો મળી આવ્યાં હતાં. તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમનાં સેમ્પલ પુણે ખાતે મોકલી આપવામાં આવ્યાં હતાં. જાેકે એક મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ આ દંપતીનાં સેમ્પલનો રિપોર્ટ હજી સુધી નહીં આવ્યો હોવાનું ગાંધીનગર સિવિલનાં સૂત્રોએ જણાવ્યું હતું.