સાઉથ સ્ટાર વિજયના ઘરે ઇન્કમ ટેક્સનાં દરોડાંઃ થેલાં ભરી રોકડ જપ્ત
નવી દિલ્હી, ટેક્સ ચોરીના કેસમાં સાઉથ સ્ટાર વિજયની આજકાલ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પૂછપરછ કરી રહી છે. ઇન્કમ ટેક્સ દરોડાંને કારણે અભિનેતા વિજયે તાજેતરમાં તમિલનાડુ સ્થિત નેયવલી કોલ માઇન્સમાં આગામી ફિલ્મ માસ્ટરનું શૂટિંગ અડધું છોડવું પડ્યું છે. તાજા સમાચાર પ્રમાણે એક્ટર વિજય સહિત પ્રોડ્યૂસર અને ફાઇનાન્સરના મદુરાઈ સ્થિત ઠેકાણા પર મોટાં દરોડાં પાડવામાં આવ્યા છે, જેમાં ડિપાર્ટમેન્ટે 65 કરોડ જેટલા રૂપિયા જપ્ત કર્યા છે. હાલ ઇન્કમ ટેક્સના દરોડાં ચાલુ જ છે.
રિપોર્ટ્સ પ્રમાણે ટેક્સ ચોરીની શંકાના આધારે એજીએસ સિનેમાઝમાં થનારા દરોડાં સંદર્ભે માર્શલ એક્ટર વિજય સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે એજીએસ સિનેમાઝે વિજયની છેલ્લી સુપરહિટ ફિલ્મ ‘બિજિલ’ બનાવી હતી. આ ફિલ્મે દુનિયાભરમાંથી 300 કરોડથી વધારેની કમાણી કરી હતી. એવા સમાચાર છે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પાંચમી ફેબ્રુઆરીના રોજ સવારે એજીએસ એન્ટરટેઇન્મેન્ટ પર દરોડાંની કાર્યવાહી શરૂ કરી હતી. આ કારણે વિજયે માસ્ટરનું શૂટિંગ અડધું છોડવું પડ્યું હતું. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું કે, ‘અમને જાણકારી મળી હતી કે વિજયે બિજિલ માટે મોટી રકમ રોકડમાં સ્વીકારી છે.’
રિપોર્ટનું માનવામાં આવે તો ઇન્કમ ટેક્સ એક્ટ 1961ની સેક્શન 132 પ્રમાણે એક્ટર વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ વિજયના ચેન્નાઇ સ્થિત ઘર પર થનારા સર્ચ ઓપરેશન માટે સહકાર આપવાનું કહ્યું હતું. જ્યારે વિજય તરફથી પણ એક અધિકારિક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, “ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ગત દિવસોમાં મારા ઘર, ઓફિસ પર ટેક્સ ચોરી બાબતે દરોડાં કર્યાં છે. મારા સ્ટાફ અને પરિવારે પૂરો સહકાર આપીને તમામ દસ્તાવેજો ડિપાર્ટમેન્ટ સામે રજૂ કર્યા છે.”