સાઉદીમાં ભારતીયોને ઢોરની જેમ કેદી તરીકે ગોંધી રખાયા
નવી દિલ્હી: સાઉદી અરેબિયાની એક જેલના ઓરડામાં ૨૫૦થી વધુ ભારતીયોને જાનવરની જેમ કેદ રાખવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આમાંથી એક ભારતીય કેદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મદદ માગી છે. મોટાભાગના કેદીઓ લૉકડાઉનનો ભંગ કરતાં પકડાયા હતા. દેવબંદના એક મુસ્લિમ યુવાન મુસ્તકિમે વડા પ્રધાનને સોશ્યલ મિડિયા પર વિનંતી કરી હતી કે અમને ઊગારી લો. સોશ્યલ મિડિયા પર મૂકેલા ઓડિયો-વિડિયો ક્લીપમાં એવો દાવો કરાયો હતો કે લૉકડાઉનનો ભંગ કરનારા હજારો ભારતીયો અહીં જેલમાં જાનવરની જેમ સબડી રહ્યા હતા. આ સંદેશો ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં વાઇરલ થયો હતો.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
સાઉદી અરેબિયાની જેલમાં રહેલા આ ભારતીય કેદીઓએ ચૂપચાપ આ વિડિયો ક્લીપ બનાવીને સોશ્યલ મિડિયા પર મૂકી હતી. મુસ્તકિમના કુટુંબીજનોએ પણ વડા પ્રધાનને વિનંતી કરી હતી કે આ લોકોને છોડાવવામાં તમારી વગનો ઉપયોગ કરો. આ યુવકે એવો દાવો પણ કર્યો હતો કે લ઼ૉક ડાઉનનો ભંગ કરતાં પકડાયેલા બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓને છોડાઇ રહ્યા છે. અમને એક ઓરડામાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા છે. મુસ્તકીમની પત્ની શબાનાએ કહ્યું કે મારો પતિ લ઼ૉકડાઉન પહેલાં સાઉદી અરેબિયા કામ કરવા ગયો હતો. સોશિયલ મિડિયા પર રજૂ થયેલી ક્લીપ મારા પતિ મુસ્તકિમની જ છે. એ સાઉદી અરેબિયાની જેલમાં ખૂબ હેરાન થઇ રહ્યો હતો.