Western Times News

Gujarati News

સાઉદી અરેબિયાએ જોબ સેક્ટરમાં કર્યાે મોટો ફેરફાર!

ભારતીયો પર શું થશે અસર ?

સાઉદી અરેબિયા પોતાના લોકોને દરેક ક્ષેત્રમાં નોકરીઓમાં વધુ તકો આપવા પર ભાર આપી રહ્યું છે

સાઉદી અરેબિયા,સાઉદી અરેબિયાએ એક મોટો નિર્ણય લેતા તેના નાગરિકો માટે ખાનગી ક્ષેત્રની એન્જિનિયરિંગ નોકરીઓમાં અનામતની જાહેરાત કરી છે. કિંગડમે ખાનગી એન્જિનિયરિંગ નોકરીઓમાં તેના નાગરિકો માટે ૨૫ ટકા આરક્ષણ લાગુ કર્યું છે. તે રવિવારથી અમલમાં આવ્યો, જેનો હેતુ સાઉદી નાગરિકોને વધુ નોકરીની તકો પૂરી પાડવાનો છે.માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયની આ યોજના હેઠળ એવું માનવામાં આવે છે કે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં સાઉદી નાગરિકોની સંખ્યામાં વધારો થશે.

સાઉદી અરેબિયાની સત્તાવાર પ્રેસ એજન્સી, સાઉદી પ્રેસ એજન્સીએ જણાવ્યું હતું કે મંત્રાલયે નગરપાલિકા, ગ્રામીણ બાબતો અને આવાસ મંત્રાલય સાથે મળીને એન્જિનિયરિંગ નોકરીઓમાં ૨૫ ટકા સ્થાનિકીકરણ ક્વોટા લાગુ કર્યાે છે.સાઉદી પ્રેસ એજન્સીએ કહ્યું, ‘આ નીતિ સાઉદી પુરૂષો અને મહિલાઓને વધુ સારી નોકરીની તકો પૂરી પાડશે.’આ નવી પોલિસી ખાનગી ક્ષેત્રની દરેક કંપનીને અસર કરશે જેમાં પાંચ કે તેથી વધુ એન્જિનિયર કામ કરી રહ્યા છે. સાઉદી અધિકારીઓએ ચેતવણી પણ આપી છે કે જે કંપનીઓ નિયમોનું પાલન નહીં કરે તેમને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ તેમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘વિઝન ૨૦૩૦’ હેઠળ સાઉદી અરેબિયાના દરેક ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન કરી રહ્યા છે. આ ક્રમમાં, સાઉદીકરણ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે એટલે કે સાઉદી અરેબિયાના વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓમાં સાઉદી નાગરિકોને પ્રાધાન્ય આપવું. વિઝન ૨૦૩૦ હેઠળ, કિંગ્ડન સાઉદીમાં બેરોજગારીને ૭% પર લાવવાનું લક્ષ્ય રાખે છે. આ અંતર્ગત સાઉદી અરેબિયા તેની આવકના સ્ત્રોતમાં વિવિધતા લાવી ક્‰ડ ઓઈલ પરની નિર્ભરતા ઘટાડવા માંગે છે.

સાઉદી અરેબિયાના ખાનગી એન્જિનિયરિંગ સેક્ટરમાં રિઝર્વેશનની અસર ભારતીયો પર પણ પડશે કારણ કે દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો કામની શોધમાં સાઉદી અરેબિયા જાય છે. નોકરી માટે સાઉદી અરેબિયા જનારાઓમાં એન્જિનિયરો સહિત કુશળ અને અર્ધ કુશળ કામદારોનો સમાવેશ થાય છે.વર્ષ ૨૦૨૨માં સાઉદી અરેબિયાએ કહ્યું હતું કે નોકરી માટે રાજ્યમાં આવનારા ભારતીયોની સંખ્યામાં ૫ ગણો વધારો થયો છે. વર્ષ ૨૦૨૨માં ૧,૭૮,૬૩૦ ભારતીયો નોકરી માટે સાઉદી ગયા હતા. હવે સાઉદીએ તેના નાગરિકો માટે ખાનગી એન્જિનિયરિંગ નોકરીઓમાં આરક્ષણની વ્યવસ્થા કરી છે, જેનાથી આ ક્ષેત્રમાં ભારતીયોની તકો ઓછી થશે.
SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.