સાઉદી : ઓઇલ પ્લાન્ટ પર હુમલા બાદ કિંમતો વધી છે
નવી દિલ્હી : સાઉદી અરબના ઓઇલ પ્રોસેસિંગ પ્લાન્ટ પર શનિવારના દિવસે કરવામાં આવેલા ડ્રોન હુમલા બાદ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલની કિંમતોમાં ૧૦ ટકા સુધીનો વધારો થઇ ચુક્યો છે. આ વધારાના દોર હાલમાં જારી રહે તેવી શક્યતા છે. હુમલો કરવામાં આવ્યા બાદ દુનિયાના સૌથી મોટા ક્રુડ ઉત્પાદકના પુરવઠાને માઠી અસર થઇ છે. ઉત્પાદનનો પુરવઠો અડધો થઇ ગયો છે.
ડ્રોન હુમલા કરવામાં આવ્યા બાદ અરામકો કંપનીના બે પ્લાન્ટમાં ઉત્પાદનનું કામ હાલ પુરતુ રોકી દેવામાં આવ્યું છે. યમનના બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ કંપનીએ ઉત્પાદનને રોકવાની જાહેરાત કરી છે. આના કારણે કંપનીના ઓછામાં ઓછા અડધા ઉત્પાદનને માઠી અસર થઇ છે. અબ્કૈક અને ખુરૈસમાં અસ્થાયીરીતે ઉત્પાદનનું કામ રોકી દેવામાં આવ્યું છે. હુતિ બળવાખોરો દ્વારા ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા જેના કારણે ઉત્પાદનને માઠી અસર થઇ છે. ૫૦ ટકા ઉત્પાદનને અસર થઇ છે.
હુમલાના કારણે પ્રતિદિવસે ૫૭ લાખ બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન બંધ રહેશે. અરામકોને દુનિયાની સૌથી મહાકાય અને અમીર ઓઇલ કંપની તરીકે ગણવામાં આવે છે. બળવાખોરોએ ૧૦ ડ્રોન વિમાનો સાથે આ હુમલાની શરૂઆત કરી હતી અને સાઉદી અરબમાં અબ્કૈક અને ખુરૈસમાં રિફાઇનરીઓને ટાર્ગેટ કરવામાં આવી હતી.
બીજી બાજુ અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પીઓએ આ હુમલા માટે ઇરાનને જવાબદાર ઠેરવીને પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે, સાઉદી અરબ સતત ઇરાન પર હુટી બળવાખોરોને હથિયારો ઉપલબ્ધ કરાવવાનો આક્ષેપ કરે છે.
દેશના જુદા જુદા ભાગોમાં રિયાદે પાંચ મહાકાય અન્ડરગ્રાઉન્ડ સ્ટોરેજ સુવિધાઓ ઉભી કરી છે જેમાં જુદા જુદા રિફાઈન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટના પેટ્રોલિયમ જથ્થાને રાખી શકાય છે. આ અન્ડરગ્રાઉન્ડ સુવિધાઓ ૧૯૮૮થી લઇને ૨૦૦૯ના ગાળામાં અબજા ડોલરના ખર્ચ સાથે બનાવવામાં આવી હતી.