સાઉદી ક્રાઉન પ્રિન્સને મળ્યા અજીત ડોભાલ
નવી દિલ્હી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી. પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે આ બેઠકને સૌથી મહત્વની માનવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે આ મુલાકાત દરમ્યાન જમ્મુ કાશ્મીર મુદ્દે બે કલાક સુધી ચર્ચા કરવામાં આવી હતી.
આ મુલાકાત એવા સમયે કરવામાં આવી જ્યારે પાકિસ્તાન જમ્મુ કાશ્મીર મુદ્દે સાઉદી અરબના સમર્થન માટે કોશિશ કરી રહ્યુ છે. અને સાઉદી સમક્ષ અનેક વખત કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યુ છે. અજીત ડોભાલે ક્રાઉન પ્રિંસ બાદ સાઉદી અરબના એનએસએ મુસૈદ અલ એબાન સાથે પણ મુલાકાત કરી હતી.
આ બેઠકમાં સુરક્ષા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે, જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવામાં આવતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે. પાકિસ્તાન દુનિયાના દેશો પાસે કાશ્મીર મુદ્દે મદદ માગી રહ્યુ છે. પરંતુ દુનિયાના કોઈપણ દેશ પાકિસ્તાનને મદદ કરવા માટે તૈયાર નથી.