સાકરપાતળ સ.મા.શાળા ખાતે તમાકુ મુક્ત શાળાનો વર્કશોપ યોજાયો
આહવાઃ ડાંગ જિલ્લામાં રાષ્ટ્રિય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, સાકરપાતળ અને આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત ડાંગ અને ફેઈથ ફાઉન્ડેશન,વડોદરાના સંયુક્ત ઉપક્રમે ‛Yellow Line Campaign’ દોરી ‛તમાકુ મુક્ત શાળા’ બને તે માટે તા.૨૨/૧૧/૧૯ ના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્યમાં ડાંગ જિલ્લો યલો લાઈન કેમ્પેઈન અંતર્ગત ૨૪ મો જિલ્લો બન્યો છે. આ કેમ્પેઈનમાં તમાકુના વપરાશની આડઅસરો અને COTPA-2003 Act ની જોગવાઈઓ અંગે વિઘાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત તમાકુ મુક્ત શાળા,ધર,ગામ,જિલ્લો તથા રાજ્યને બનાવવા શપથ લેવડાવવામાં આવ્યા હતા તેમજ વિઘાર્થીઓની વક્તૃત્વ સ્પર્ધા યોજી ભાગ લેનાર તમામ ને ઈનામ આપવામાં આવ્યા હતા.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા.સંજય શાહે મુખ્ય મહેમાન પદેથી રાષ્ટ્રિય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે ભારત દેશમાં આજે૧૨૦ મિલિયન લોકો તમાકુનું સેવન કરે છે. અને તેમાંથી ૧૦ મિલિયન લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૩ માં તમાકુથી થતી બિમારીઓ અને તેને રોકવા માટેનો COTPA-2003 Act નો કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ કોઇપણ શૈક્ષણિક સંસ્થાની આસપાસ ૧૦૦ વાર ત્રિજ્યામાં તમાકુ અથવા તમાકુની બનાવટોના વેચાણ પર પ્રતિબંધ છે. કાયદાના સખત અમલીકરણ કરવા માટે સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યાએ યલો લાઈન દોરી તમાકુ મુક્ત સંસ્થાન બનાવવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં જિલ્લા એપીડેમીક મેડીકલ ઓફિસર શ્રી ર્ડા.ડી.સી.ગામીત,જિલ્લા ક્ષય અધિકારીશ્રી ર્ડા.પાઉલ એ.વસાવા,ટીબી કો-ઓર્ડિનેટર કમલ જી.ચૌધરી,ફેઈથ ફાઉન્ડેશન પ્રોજેક્ટ ડાયરેકટર વડોદરાના સુઝાન સેમસન,એનટીસીપી શ્રીમતિ રસીલા ચૌધરી,શાળાના આચાર્ય શ્રી જી.આર.ગાંગોડા,મુખ્ય શિક્ષકશ્રી ફાલ્ગુનીબેન પટેલ સહિત શાળા પરિવાર અને વિઘાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.