સાકરીયા ગામે કરીયાણાની દુકાનોમાં ધાડ પાડવા પહોંચ્યા તસ્કરો, ગામલોકોએ એકને દબોચી લીધો

અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ગેંગ અને તસ્કરો સક્રીય થતા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ફફડાટ ફેલાયો છે. મોડાસાના સાકરીયા ગામે ત્રણ મહિના અગાઉ બસ સ્ટેન્ડ પર આવેલી કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટકી ૩૫ હજારથી વધુની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જે અંગે દુકાન માલિકે મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી રાબેતા મુજબ પ્રાથમિક તપાસ હાથધરી હતી પરંતુ તસ્કર ટોળકીને ઝડપી પાડવામાં નિષ્ફળ રહેતા તસ્કરોની હિંમત વધી હોય
તેમ ત્રણ મહિના પછી ફરીથી બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનમાં ત્રણ તસ્કરો રીક્ષા લઇ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા હતા ત્યારે ખેતરમાં રખોપુ કરી પરત ફરી રહેલા લોકોએ દુકાન માલીકને જાણ કરતા દુકાન માલિક અને લોકો દોડી આવતા તસ્કરોએ દુકાન માલિક હુમલો કરી બે તસ્કરો ફરાર થઇ ગયા હતા જયારે એક ચોર લોકોના હાથે ઝડપાઈઓ જતા મેથીપાક આપી રૂરલ પોલીસને સુપ્રત કર્યો હતો જીલ્લામાં નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવેની માંગ પ્રબળ બની છે.
માલપુર તાલુકાના વાવડી ગામનો રમેશ ખાંટ નામનો ચોર તેના અન્ય બે સાગરીતો સાથે રીક્ષા લઇ સાકરીયા ગામના બસ સ્ટેન્ડ પર આવેલી કરિયાણા સહીતની દુકાનોમાં ચોરી કરવા પહોંચ્યા હતા અને બે દુકાનોના ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા હતા ત્યારે ખેતરમાંથી પરત ફરતા લોકો મોડી રાત્રે કરીયાણાની દુકાન આગળ રીક્ષા પડેલી અને દુકાનમાંથી અવાજ આવતો હોવાથી તાબડતોડ દુકાન માલીકને જાણ કરતા દુકાનમાલિક અને ગ્રામજનો પહોંચ્યા હતા અને તસ્કરોને પડકારતા ત્રણે તસ્કરોએ દુકાન માલિક પર હુમલો કરી ભાગ્યા હતા ગ્રામજનો અને દુકાનમાલિકે રમેશ ખાંટ નામના ચોરને દબોચી લીધો હતો
જયારે અન્ય બે તસ્કરો અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યા હતા ગ્રામજનોએ મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી ચોરની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ રીક્ષા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી ફરાર બંને તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા સાકરીયા બસ સ્ટેન્ડ પર હોમગાર્ડ પોઈન્ટ મુકવામાં આવે અને નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવેની લોક માંગ પ્રબળ બની છે