સાગબારા જે.કે.હાઈસ્કૂલ ખાતે ભરૂચ સંસદીય મતવિસ્તારની યોજાયેલી સાંસદ ખેલ સ્પર્ધા
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ખેલ સ્પર્ધાના આહવાનને ઝીલીને ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ તેમના મત વિસ્તાર માટે યોજેલી ખેલ સ્પર્ધા ખૂબજ સરાહનીય અને આવકારદાયક છે -કેન્દ્રીય નાણાં વિભાગનાં રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ડૉ.ભાગવત કારડ
કબડ્ડી, વોલીબોલ અને કેરમ ટૂર્નામેન્ટ સહિતની સ્પર્ધામાં કુલ-૬૫ ટીમોએ ઉત્સાહભેર લીધેલો ભાગ
રાજપીપલા,કેન્દ્રીય નાણાં વિભાગનાં રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ડૉ.ભાગવત કારડ, ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, પુર્વ મંત્રીશ્રી મોતીસિંહ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી શંકરભાઈ વસાવા
અને શ્રી મનજીભાઇ વસાવા, જિલ્લાના અગ્રણી શ્રી નિલભાઈ રાવ, શ્રી ગૌરાંગભાઈ બારીયા, શ્રી હિતેશભાઈ વસાવા, શ્રી અજીતભાઈ પરીખ, શ્રી રોહિતભાઈ વસાવા, સેલંબાના સરપંચશ્રી આકાશભાઇ તડવી તેમજ ભરૂચ સંસદીય મતવિસ્તારના તાલુકાઓની વિવિધ ટીમોની ઉપસ્થિતમાં ગઈકાલે સાંજે સાગબારાની જે. કે. હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં “રમશે ભરૂચ – જીતશે ભરૂચ” સાંસદ ખેલ સ્પર્ધાને ખૂલ્લી મૂકાઈ હતી.
કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી ડૉ.ભાગવત કારડે આજની આ ખેલ સ્પર્ધાઓ પૈકી કબડ્ડીમાં ટોસ ઉછાળી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો, જ્યારે વોલીબોલ અને કેરમ સ્પર્ધામાં રિબિન કાપીને સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. મંત્રીશ્રી ડૉ.ભાગવત કારડ અને સાંસદશ્રી મનસુખભાઈ વસાવા સહિત ઉપસ્થિત મહાનુભાવો પણ કેરમની સ્પર્ધામાં જોડાયાં હતાં.
તેમજ વોલીબોલ સ્પર્ધામાં પણ સર્વિસ આપીને ખેલમાં જોડાયાં હતાં. મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોએ વિવિધ સ્પર્ધાના ખેલાડીઓ સાથે હસ્ત ધૂનન કરી ખેલાડીઓ સાથે પરિચય કેળવ્યો હતો અને સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ માટેની શુભેચ્છાઓ પાઠવી હતી.
કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી ડૉ.ભાગવત કારડે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ખેલ સ્પર્ધાના આહવાનને ઝીલીને ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ તેમના મતવિસ્તાર માટે આજે ખૂબજ સુંદર રીતે આ ખેલ સ્પર્ધા યોજી છે અને તેમાં વોલીબોલ, કબડ્ડી અને કેરમની ઈન્ડોર સ્પર્ધામાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો છે જે ખૂબ જ સરાહનીય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે યોજાયેલી ઉક્ત સાંસદ ખેલ સ્પર્ધામાં સાગબારા, સેલંબા, દેડિયાપાડા, અંક્લેશ્વર, ભરૂચ વગેરે જેવા વિસ્તારોમાંથી કબડ્ડી માટે ૨૦ ટીમ, વોલીબોલ માટે ૨૫ ટીમ અને કેરમ માટે ૨૦ ટીમ મળી કુલ- ૬૫ જેટલી ટીમોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.