સાજિદ ખાનની પત્નીએ દિયર વાજિદને કિડની આપી હતી
મુંબઈ: બોલિવુડના જાણીતા મ્યૂઝિક ડાયરેક્ટર સાજિદ-વાજિદની જાેડી તૂટી ગઈ છે. ભાઈના નિધનનું દુઃખ હજી પણ સાજિદ ખાનને પીડા આપે છે. મ્યૂઝિક રિયાલિટી શો ‘ઈન્ડિયન પ્રો મ્યૂઝિક લીગ’માં આ શનિ-રવિ વાજિદ ખાન સ્પેશિયલ એપિસોડ જાેવા મળી રહ્યા છે. સાજિદ ખાન સહિત તેમનો પરિવાર આ ખાસ એપિસોડમાં આવ્યો છે ત્યારે સૌ કોઈ દિવંગત મ્યૂઝિક ડાયરેક્ટર વાજિદને યાદ કરીને ભાવુક થયા હતા. સાજિદની સાથે તેમના માતા અને પત્ની કાર્યક્રમમાં હાજર રહ્યા હતા
ત્યારે તેમણે ખુલાસો કર્યો કે વાજિદને કિડનીની જરૂર હતી ત્યારે ભાભી લુબના મદદ માટે આગળ આવી હતી. સાજિદ-વાજિદના માતા રઝિનાએ જણાવ્યું કે, ‘વાજિદને કિડનીની જરૂર હતી. પરંતુ મને ડાયાબિટીસ હોવાથી હું આપી નહોતી શકી. અમે પ્રયાસ કરતાં હતા કે કોઈની કિડની મેચ થઈ જાય. પરંતુ સમય વિતતો ગયો તેમ નિરાશાના વાદળ વધુ ગાઢ થતાં રહ્યા. લોકો અમને મદદ કરવાના બહાને છેતરી ગયા રહ્યા હતા ત્યારે જ સાજિદની પત્ની લુબના આગળ આવી અને તેણે સૌથી છુપાવીને વાજિદને કિડની આપવાનો ર્નિણય કરી લીધો.
રઝિના ખાને આગળ કહ્યું, અમે અમારા બધા જ સગા સંબંધીઓની પૂછી લીધું પરંતુ કોઈ મદદ માટે તૈયાર ના થયું. લુબનાએ ચૂપચાપ પોતાના બધા જ ટેસ્ટ કરાવી લીધા અને વાજિદને કિડની દાન કરી. આજના સમયમાં જ્યારે માતાપિતા પણ બાળકોને પોતાની કિડની નતી આપી શકતાં ત્યારે તેણે એકવાર પણ વિચાર કર્યા વિના પોતાની કિડની દાન કરી દીધી. લુબનાએ સાસુની વાત આગળ વધારતાં કહ્યું, જ્યારે મને ખબર પડી કે કોઈ બીજું તેને કિડની આપી શકે છે ત્યારે મેં કોઈને કશું જ ના કહ્યું અને ટેસ્ટ કરાવી લીધા. છેલ્લા ટેસ્ટ પહેલા મેં વાજિદને બધું જ જણાવી દીધું અને કહ્યું કે, જાે કિડની મેચ થશે તો આપણે ટ્રાન્સપ્લાન્ટ કરાવી લઈશું.
મારી વાત સાંભળીને તે દુઃખી થયો હતો પરંતુ મેં તેને એક જ વાત કહી કે તું મારા માટે મહત્વનો છે. આ સાંભળીને તે નિઃશબ્દ થયો હતો. જે વ્યક્તિ હંમેશા પરિવારની પડખે ઊભી રહી છે તેને જ જરૂરના સમયમાં પરિવાર મદદ ના કરે તો આનાથી મોટો અપરાધ કયો હોય. નસીબજાેગે અમારી કિડની મેચ થઈ ગઈ. સાજિદ, મારી મમ્મી અને મારા બાળકો ખૂબ સપોર્ટિવ હતા અને મને ખુશી છે કે હું વાજિદની આટલી મદદ પણ કરી શકી.