સાઠંબામાં ગ્રાહકોને સુવિધા આપવામાં વિલંબ કરતું UGVCL વિજબિલનાં નાણાં વસુલવામાં અધીરૂ.
દિલીપ પુરોહિત. બાયડ,વિજકાપ મુદ્દે પુરા ગુજરાત રાજ્યમાં ખેડુતોનો રોષ વિજતંત્ર પર પરાકાષ્ઠાએ છે. ત્યારે અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામે નદીફળી વિસ્તારના વિજ ગ્રાહકો સાઠંબા UGVCL તંત્રથી નારાજ છે.
વધુ વિગતો મુજબ સાઠંબા ગામના સ્થાનિક નદીફળી વિસ્તારના વિજ ગ્રાહકોને વિજ પુરવઠો ઓછો પડતો હોય વિજ ઉપકરણો ઉપડતાં નહોતાં જેથી આ વિસ્તારના 60 થી વધુ વિજ ગ્રાહકોએ જે તે સમયે UGVCL કચેરી સાઠંબા ખાતે રજુઆત કરતાં વિજ કચેરી સાઠંબાએ તમારા વિસ્તારમાં એક વધારાનું વિજ ટ્રાન્સફોર્મર લગાવવું પડશે તેમ જણાવી લગભગ 60 વિજગ્રાહકોને દરેક પાસે લગભગ 5000-6000 રૂપિયાની રકમ એસ્ટિમેટ રૂપે ભરાવ્યાને બે વર્ષ ઉપરનો સમય વિતી ગયો હોવા છતાં આજ સુધી સાઠંબાના નદીફળી વિસ્તારના વિજગ્રાહકોને આજે પણ એજ હાલાકી વેઠવી પડી રહી છે.
વિજતંત્ર દ્વારા થાંભલા ઊભા કરી કરી ટ્રાન્સફોર્મર પણ લગાવી દીધું છે. પણ તેને કાર્યરત કરવામાં કેમ વિલંબ કરી રહ્યા છે તે સમજાતું નથી. તો સવાલ એ થાય છે કે, વિજબિલનાં નાણાં વસુલવામાં અધીરૂ રહેતું વિજતંત્ર સાઠંબાના નદીફળી વિસ્તારના 60 થી વધુ વિજગ્રાહકોને સુવિધા પુરી પાડવામાં કેમ ઊણું સાબિત થઈ રહ્યું છે. ???.