સાઠંબામાં તસ્કરોનો આતંક, સતત બીજા દિવસે પણ બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી હાથફેરો કરી ગયા
અરવલ્લી જીલ્લામાં તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ રોજેરોજ ચોરીના બનાવો વધી રહ્યા છે. સઘન નાઈટ પેટ્રોલીંગના દાવા વચ્ચે સાઠંબા પોલીસ મથકથી માત્ર ૫૦૦ મિટરના અંતરે સતત બે દિવસ સુધી અલગ અલગ બે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી હાથફેરો કરી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે બાયડ તાલુકાના સાઠંબામાંં ગાબટ રોડ પર અંબિકા ગાર્ડન સોસાયટીમાં રહેતા અને હાલ અમદાવાદ એવા મુળ સાઠંબાના રહિશ હિતેન્દ્રસિહ ચાવડાના બંધ મકાનમાં સોમવારે ઉપરના ટેરેસનું બારણું પાછળના ભાગે આવેલા મકાનવાળા પાડોશીએ ખુલ્લું જોતાં મકાનમાલિકને જાણ કરાતા
તાબડતોબ દોડી આવેલા હિતેન્દ્રસિહે ઘરના મુખ્ય દરવાજાનું તાળુ તુટેલું જોતાં અને સામાન વેરવિખેર પડેલો જોતાં ચોરી થયાની આશંકા પાકી થતાં સાઠંબા પોલીસને જાણ કરતાં મોડે મોડે પહોંચેલી સાઠંબા પોલીસની હાજરીમાં ઘરમાં તપાસ કરતાં રૂપિયા ૧,૭૦,૦૦૦/-ના સોનાના દાગીના ચોરાયેલ હોવાનું ખુલ્યું હતું. ચોરી થયાની વાત વાયુવેગે સાઠંબા ગામમાં પ્રસરી જતાં લોકો ગભરાટ સાથે કાનાફુંસી કરતા જોવા મળ્યા હતા કે, ‘હપ્તારાજમાં વ્યસ્ત પોલીસ નાઈટ પેટ્રોલીંગમાં કેમ નબળી પડી?’ વધુમાં લોકો ચર્ચા કરતા જોવા મળ્યા હતા કે, ‘આઉટ પોસ્ટ હતી
ત્યારે ત્રણના સ્ટાફમાં પણ સાઠંબા ગામે ચોરીની ઘટનાઓ ના ના બરાબર હતી. જ્યારે નવું પોલીસ મથક બન્યા પછી ચોરી ચકારી અને ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે.’ રૂપિયા ૧,૭૦,૦૦૦/-ના દાગીનાની ચોરી થયાનું ખુલ્યાને ચોવીસ કલાકનો સમય વિત્યો નહોતો ત્યાં તો સાઠંબાના અંબિકાનગર, વાડીવિસ્તારમાં ભાડે રહેતા મુળ મગોડી તા. માલપુરના રહીશ હરેશભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ બહાર ગામ ગયા હોવાથી મંગળવારે સાઠંબા ગામે આવી ઘરે પહોંચતાં મુખ્ય દરવાજાનું તાળુ તુટેલું જોતાં આડોશી પાડોશીને બોલાવી વાત કરતાં ચોરી થયાની આશંકા જતાં સાઠંબા પોલીસને જાણ કરાતાં ઘટનાસ્થળે પહોંચેલી સાઠંબા પોલીસની હાજરીમાં ઘરમાં તપાસ કરતાં તિજોરી તુટેલી હતી
તેમાંથી એક જોડ ચાંદીના છડા, ચાંદીના બે સિક્કા અને રોકડ રકમ રૂપિયા ૧૫,૦૦૦/- ચોરાયાની હકીકત બહાર આવી હતી. ચોરી થયાનું માલુમ પડતાં મજુરી કરીને ગુજરાન ચલાવતા પરિવાર પર આભ તૂટી પડયું હતું. સતત બીજા દિવસે પણ સાઠંબા ગામે ચોરી થયાની હકીકતે નગરજનોમાં ભય સાથે સાઠંબા પોલીસ સામે આક્રોશ ની લાગણી જોવા મળી રહી છે