સાણંદના ચેહરભાઇની એન્જિયોપ્લાસ્ટિ સાલ હોસ્પિટલમાં વિનામુલ્યે થઈ
આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY)ના ૦૨ વર્ષ
અમદાવાદ ગ્રામ્યના ‘આયુષ્માન ભારત યોજના’ના લાભાર્થીઓના કુલ રૂ. ૭૪ કરોડના ૨૯,૮૦૫ ક્લેઇમ મંજુર થયા -જિલ્લા પંચાયતે ‘આરોગ્ય મંથન ૨.૦-પખવાડીયા’ની ઉજવણી કરી
અમદાવાદ જીલ્લામાં ‘આયુષ્માન ભારત યોજના’ના (Ayushman Bharat Yojana) લાભાર્થીઓના કુલ રૂ. ૭૪ કરોડના ૨૯,૮૦૫ ક્લેઇમ(દાવા) છેલા બે વર્ષમાં મંજુર થયા છે. અમદાવાદ જીલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કુલ ૨૨૫ હોસ્પિટલ જોડાયેલ છે જેમાં ૧૪૫ સરકારી હોસ્પિટલો તથા ૯૦ ખાનગી હોસ્પિટલો જોડાયેલી છે.
જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના સેકડો લાભાર્થિઓમાંના એક એવા સાણંદના ચેહરભાઇની એન્જિયોપ્લાસ્ટિ સાલ હોસ્પિટલમાં નિ:શુલ્ક થઇ છે. ગત ૧૫મી સપ્ટેમ્બરે છાતીમાં દુખાવો થતા તેઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. PMJAY-કાર્ડ ધારક હોવાથી તેમની અંદાજીત ૧.૫૦ લાખની સારવાર કેશલેસ પાર પડી હતી. ચેહરભાઇએ સારવાર બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનાને વખાણી તંત્રનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સરકાર દ્વારા નિયત કરેલ ૨૦૧૧ એસ.ઇ.સી.સી. (સોસિયલ ઇકોનોમિક કાસ્ટ સેન્સસ) યાદીમાં જે કુટુંબના નામ સમાવિષ્ટ હોય તેમેને દર વર્ષે રૂ. ૫,૦૦,૦૦૦ સુધી તબીબી સારવારનો ખર્ચ મળવાપાત્ર છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જોડાયેલ સમગ્ર દેશની કોઈપણ ખાનગી અથવા સરકારી હોસ્પીટલમાં દાખલ દર્દીને મફત-કેશલેસ સારવાર આપવામાં આવે છે.
ઉપરાંત દર્દીને આવવા – જવાના ભાડા પેટે રૂ. ૩૦૦ હોસ્પીટલ તરફથી આપવામાં આવે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ૨૦૧૧ના એસ.ઇ.સી.સી. સર્વેક્ષણમાં સમાવિષ્ટ કુટુંબોને જ લાભ મળવા પાત્ર છે. જો કુટુંબમાં કોઈ નવા સભ્યનો ઉમેરો થાય તો તેને પણ લાભ મળવાપાત્ર છે.
ગુજરાત રાજ્યમાં ‘મા યોજના’ તથા ‘મા વાત્સલ્ય યોજના’ અંતર્ગત આવેલા તમામ લાભાથીઓને પણ આયુષ્માન ભારત યોજનાનો લાભ મળવા પાત્ર છે. આ યોજના હેઠળ પ્રાઇમરી, સેકંડરી અને ટર્શરી (ગંભીર) સારવાર માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જોડાયેલી હોસ્પીટલમાં કુલ ૧૭૬ર જેટલા નિયત કરેલા રોગોની સારવાર વિનામુલ્યે આપવામાં આવે છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશબાબુના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જીલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ ૨૦૧૧ના એસ.ઇ.સી.સી. યાદી મુજબ અમદાવાદ ગ્રામ્યના કુલ ૨,૩૦,૨૪૪ કુટુંબના સભ્યોના ગોલ્ડન કાર્ડ બનાવવામાં આવેલ છે. તેઓના જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષમાં ગ્રામ્ય કક્ષાએ ૫૦ જેટલા કેમ્પ-શિબિર કરી યોજનાને વધુંમાં વધું લાભર્થિઓ સુધી પહોચાડવાનો ભગીરથ પ્રયાસ કરાયો છે.
આયુષ્માન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તા. ૨૫/૦૯/૨૦૧૮ ના રોજ શરૂ કરવામાં આવી હતી. ઉક્ત યોજનાને ૦૨ વર્ષે પૂર્ણ થતા અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા ‘આરોગ્ય મંથન ૨.૦-પખવાડીયા’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પખવાડિયા દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં યોજના અંગે જાગૃતિપ્રેરક કાર્યક્રમો યોજાયા હતા. કોવિડની પરિસ્થિતિને ધ્યાને રાખી ઓનલાઇન વેબિનારનું આયોજન કરાયું હતું.