સાણંદના નેનો મોટર્સ પ્લાન્ટમાં ઔદ્યોગિક અકસ્માત સંદર્ભે મોકડ્રીલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/10/IMG_0082-1024x810.jpg)
અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે ટાટા નેનો મોટર્સ પ્લાન્ટમાં કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ ડિઝાસ્ટર સંદર્ભે મોક એક્સરસાઈઝ યોજાઈ હતી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની મદદથી ડિસ્ટ્રીક્ટ ક્રાઈસીસ ગ્રુપે આ મોક એક્સરસાઈઝ કરી હતી, જેમાં એ ચકાસવાનો પ્રયાસ થયો હતો કે ઔદ્યોગિક અકસ્માતો સામે પડકાર ઝીલવા માટે વહીવટીતંત્ર કેટલું સજ્જ છે.
અંદાજે એક કલાક સુધી ચાલેલી આ કવાયતમાં પ્લાન્ટમાં ગેસ ટેન્કર લીકેજ થાય ત્યારે સંકલન સાધી પરિસ્થિતીને કઈ રીતે પહોંચી વળવું તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ફાયરબ્રિગેડની ટીમે આગ લાગે ત્યારે કઈ રીતે ઝડપથી તેને હોલવી શકાય તે દર્શાવ્યું, તો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(એન.ડી.આર.એફ.)ના જવાનોએ આ પ્રકારની આફતમાં કઈ રીતે બચાવ અને રાહત કામગીરી હાથ ધરાય છે તેનું નિદર્શન કર્યું. આ કવાયતમાં ટાટા મોટર્સનું સેફ્ટી, હેલ્થ અને એન્વાર્યમેન્ટ ડિપાર્ટમેન્ટ પણ જોડાયું હતું.
અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ક્રાઈસિસ ગ્રુપના સભ્ય સચિવ શ્રી સી. સી. વોરાએ આ ઘટનાક્રમ સમજાવતા કહ્યું કે, ઔદ્યોગિક પ્લાન્ટમાં પ્રોપેન ગેસનું ટેન્કર લીક થાય તે સંજોગોમાં ફાયરબ્રિગેડ તેને કઈ રીતે બુઝાવવાની કોશિષ કરે છે, અને જિલ્લા વહીવટીતંત્ર સાથે કઈ રીતે સંકલન સાધવામાં આવે છે, તેનું અહીં નિદર્શન કરવામાં આવ્યું.
આ કવાયતમાં ભાગ લેનારા ટાટા કંપનીના ફાયર વિભાગના કર્મચારી વિક્રમભાઇએ કહ્યું કે, કંટ્રોલ રુમમાંથી ગેસ લીકેજનો કોલ આવતા કઈ રીતે પગલાં લેવામાં આવે છે અને કઈ રીતે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવે છે તેનું અમે નિદર્શન કર્યું છે. કંપનીના ફાયર સુપરવાઈઝર અનિરુદ્ધસિંહે આ પ્રકારની દુર્ઘટનામાં કેવી રીતે તબક્કાવાર કામગીરી કરવામાં આવે છે તેની વિગતો આપી.
આ કવાયત બાદ યોજાયેલી ડિબ્રીફ મીટિંગમાં આ કામગીરીના લેખાં-જોખાં કરવામાં આવ્યા. આ મોક એક્સરસાઈઝમાં કેટલાંક ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવી હતી, જેમણે તેમના ઓબ્ઝર્વેશન રજૂ કર્યા હતા. આ ઓબ્ઝર્વર એક્સરસાઈઝથી એકંદરે સંતુષ્ટ હતા, સાથે કેટલીક ઉણપો તરફ પણ ધ્યાન દોરી તેને દૂર કરવા માટેના સૂચન કર્યા હતા.
આ કવાયતમાં GSDMA,NDMA,NDRF અને GPCBના કર્મચારીઓ અને અધિકારીઓ પણ જોડાયા હતા. આ એક્સરસાઈઝમાં પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનોએ પણ સહયોગ આપ્યો હતો.