સાણંદ તાલુકાની ૬૭૨ સર્ગભાઓને આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ મળશે

(માહિતી) અમદાવાદ, ‘સર્વે ભવન્તુ સુખિન સર્વે સન્તુ નિરામયા’ આ એક જ શ્લોક ભારતીય સંસ્કૃતિની વ્યાપક અને સર્વ સમાવેશક આરોગ્ય વિષયક વિચારધારાને પ્રસ્તુત કરે છે. તંદુરસ્ત શરીરને સુખી જીવનનું પ્રથમ સોપાન ગણવામાં આવે છે. રાજ્યનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ, નિરાયમ અને દીધાર્યુ જીવન પ્રાપ્ત કરે તે માટે રાજ્ય સરકારે જન સામાન્ય માટે આરોગ્યલક્ષી નીતિઓ અને યોજનાઓ ઘડી છે.
રાજ્ય સરકારે રાજ્યના અંતરિયાળ અને છેક છેવાડાના લોકો સુધી સ્વાસ્થ્યલક્ષી પ્રાથમિક સુવિધાઓ તથા આવશ્યક એવી તાત્કાલિક સારવારને સુલભ બનાવી છે. માતાના ગર્ભથી માંડીને બાળકના જન્મ સુધી તથા જીવનપર્યત સ્વાસ્થ્યલક્ષી યોજનાઓના અસરકારક અમલ દ્વારા અસંખ્ય પરિવારોને આરોગ્યલક્ષી સુરક્ષા કવચ પ્રાપ્ત થયું છે. એટલું જ નહી, કૃષોષણ સામે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવેલું રાજ્ય સરકારનું અભિયાન સગર્ભા-ધાત્રી માતાઓ માટે આર્શીર્વાદરૂપ બન્યું છે અને નવજાત શિશુઓના મૃત્યુદરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.
આ અભિયાનમાં રાજ્યમાં અનેકો એવી સેવાભાવી સંસ્થાઓ, એનજીઓ અને ટ્રસ્ટ સહભાગી થયા છે જેના થકી સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. આવી જ એક સાણંદ તાલુકાની જાણીતી સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ છે. જે માત્ર લોકોની સુખાકારી માટે કાર્યરત છે. જેને સાણંદ જ રહેતા ૪૨ વર્ષીય મનુભાઇ બારોટ ખરા અર્થમાં સાર્થક કરી રહ્યા છે.
ટ્રસ્ટના શ્રી મનુભાઇ બારોટ કહે છે કે, માનવ સેવા ટ્રસ્ટ સાણંદ દ્વારા સાણંદ તાલુકામાં માતા મરણ અને બાળ મરણ અટકાવવાનો નિર્ધાર કર્યો છે. ‘એક સ્વસ્થ બાળક જ આગળ વધીને સ્વસ્થ નાગરીક બનશે’ એ દિશામાં આજે માનવ સેવા ટ્રસ્ટ કાર્ય કરી રહ્યું છે.
આરોગ્યલક્ષી સુવિધાઓ મજબૂત કરવા રાજ્ય સરકારના આરોગ્ય તેમજ અન્ય વિભાગો સાથે મળી સાણંદ તાલુકામાંથી કુપોષણ દૂર કરવાની અને માતા મરણ, બાળ મરણ અટકાવવાની નેમ માનવ સેવા દ્વારા ઉઠાવવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું.