Western Times News

Gujarati News

સાત ધાનમાંથી તૈયાર થતો આ અર્ક શાકભાજી, ફળો, ફૂલો, દાણાવાળા પાકમાં ઉત્તમ ભૂમિકા ભજવે છે

Files Photo

સપ્તધાન્યાંકુર અર્કથી ચમકાવો ફળ-ફળીઓ અને શાકભાજીને-સપ્તધાન્યાંકુર અર્ક પાક માટે શક્તિવર્ધક દવા કે ટોનિકનું કામ કરે છે

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ સતત વધી રહ્યો છે. રસાયણો થકી કરાતી ઝેરી ખેતી પ્રત્યે લોકોમાં સભાનતા વધી રહી છે. ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીના આયામો ઉપરાંત બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, નીમાસ્ત્ર, અગ્નિ અસ્ત્ર, બ્રહ્માસ્ત્ર વગેરેથી ખેડૂતો વાકેફ થઈ રહ્યા છે ત્યારે આજે વાત કરવી છે, સપ્તધાન્યાંકુર અર્કની.

ભારતીય સંસ્કૃતિમાં સાતના આંકડાનું મહત્ત્વ છે, સપ્તર્ષિથી લઈને સાત આકાશ અને સાત પાતાળ વગેરેની વાતો આપણે સાંભળી છે. એ રીતે સાત ધાન્યનો પણ મહિમા છે અને આ મહિમા પ્રાકૃતિક ખેતીમાં વિશેષ છે. સાત ધાન, અંકુરિત ધાનના ઉપયોગથી તૈયાર કરાતું અર્ક પાક-શાકભાજી, ફળઝાડ માટે એક શક્તિવર્ધક દવા – ટોનિકના સ્વરૂપે ખૂબ જ ઉપયોગી બની રહે છે. સાત ધાન્યોમાંથી તૈયાર થતો સપ્તધાન્યાંકુર અર્ક શાકભાજી, ફૂલો, દાણાવાળા પાક વગેરેમાં ખૂબ જ સારી ગુણવત્તાયુક્ત પાક મેળવવામાં ઉત્તમ ભૂમિકા ભજવે છે.

સપ્તધાન્યાંકુર અર્કનો ઉપયોગ ક્યારે કરવો

  • ફૂલની કળી બની રહી હોય ત્યારે.
  • પાકને દૂધિયા દાણા આવી રહ્યા હોય ત્યારે
  • શાકભાજી કે ફળઝાડમાં ફળ-ફળીઓ બાલ્યાવસ્થામાં હોય ત્યારે.
  • શાકભાજી કાપવાની હોય તેના પાંચેક દિવસ પહેલાં છંટકાવ કરવાથી ખૂબ સારી ચમક આવે છે.
  • ફળ, શાકભાજી અને દાણામાં ચમક લાવવા, દાણા કદમાં મોટા અને સ્વાદમાં મીઠાશ લાવવા માટે પણ આ અર્ક ઉપયોગી બને છે.

સપ્તધાન્યાંકુર અર્ક બનાવવાની રીત

સૌથી પહેલાં જરૂરી વસ્તુઓ વિશે જાણીએઃ

  1. તલના દાણા (100 ગ્રામ), 2. મગના દાણા (100 ગ્રામ), 3. અડદના દાણા (100 ગ્રામ), 4. વટાણાના દાણા (100 ગ્રામ), 5. કોફીના દાણા (100 ગ્રામ), 6. મઠના દાણા (100 ગ્રામ), 7. ચણાના દાણા (100 ગ્રામ) અને 8. ઘઉંના દાણા (100 ગ્રામ).

રીતઃ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પોતના પુસ્તક ‘પ્રાકૃતિક કૃષિ’માં સપ્તધાન્યાંકુર અર્ક બનાવવાની એકદમ સરળ રીત આપી છે, જે સંક્ષિપ્તમાં જોઈએઃ

એક નાની વાટકીમાં તલના 100 ગ્રામ દાણા લઈ તેમાં એટલા જ પ્રમાણમાં પાણી નાખો. તેને ઘરમાં રાખી મૂકો. બે દિવસ પછી એક તપેલી લેવી. તેમાં 100 ગ્રામ મગના આખા દાણા નાખો, પછી તેમાં 100 ગ્રામ અડદના આખા દાણા, 100 ગ્રામ વટાણા, 100 ગ્રામ કૉફી, 100 ગ્રામ મઠ, 100 ગ્રામ ચણા અને 100 ગ્રામ ઘઉંના દાણા ઉમેરો. આ બધા દાણાને સારી રીતે ભેળવી દો અને તપેલીમાં તે પલળી જાય, એટલું પાણી નાખો. તપેલી ઘરમાં રાખી મૂકો.

આ દાણાને ત્રણ દિવસ પલાળી રાખો. ત્રણ દિવસ બાદ આ દાણાને તપેલીમાંથી કાઢીને પલાળેલા તલની સાથે કપડાની પોટલીમાં બાંધવા, જેથી તે અંકુરિત થાય. જે પાણીમાં દાણા પલાળી રાખ્યા હતા, તેને પણ સાચવી રાખવું. પોટલીમાં બાંધેલા દાણામાં જ્યારે એક સેમી લંબાઈના અંકુર બહાર નીકળે ત્યારે પોટલી ખોલવી અને તેની ચટણી બનાવી લેવી.

અંકુરિત ધાન્યોની ચટણી બનાવી લીધા પછી તેને 200 લીટર પાણીમાં હાથ વડે સારી રીતે ભેળવી દેવી. દાણા પલાળ્યા હતા, એ પાણીને પણ આમાં ભેળવી દેવું. આ મિશ્રણને બે કલાક સુધી રાખી મૂકો. બે કલાક બાદ આ મિશ્રણને હલાવીને કપડાથી ગાળી લેવું.

આ રીતે તૈયાર થઈ ગયું સપ્તધાન્યાંકુર અર્ક. આ અર્કને તૈયાર કર્યાના 48 કલાકની અંદર તેનો છંટકાવ કરી દેવો. જ્યાં આ અર્કનો છંટકાવ કર્યો હશે ત્યાં પાક અને ફળમાં ચમક આવી જશે. પ્રાકૃતિક ખેતીના પાકનો જથ્થો અને ગુણવત્તા વધારવામાં તથા ખેતીને વધારે નફાકારક બનાવવામાં સપ્તધાન્યાંકુર અર્ક જેવી બાબતો ખૂબ ઉપયોગી બનતી હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.