સાથે રાખવા તૈયાર ન થનારા પ પુત્ર સામે માતાની ફરિયાદ
નવી દિલ્હી: જે માતાના ૫-૫ દીકરાઓ હોય અને તો પણ વૃદ્ધાવસ્થામાં ઠેબા ખાવાનો વારો આવે તો તે માતા પર શું વીતી રહી હશે તે વિચારીને જ કંપારી છૂટી જાય. જેમને બાળપણથી ઉછેરીને મોટા કર્યા હોય, તેમના શોખ પૂરા કર્યા હોય, પરણાવીને તેમના ઘર વસાવી આપ્યા હોય તે જ બાળકો પોતાની વૃદ્ધ માતાને બે ટંકનો રોટલો આપવા પણ તૈયાર ન થાય તે ખૂબ જ દુખદ વાત કહેવાય. એક સમયે ૫ દીકરા હોવાનો ગર્વ થતો હોય તે માતા આજે દીકરાઓ વિરૂદ્ધ પોલીસ ચોકીએ જઈને બે રોટલી માટે મદદ માંગી રહી છે.
મધ્ય પ્રદેશમાં રાજગઢના દેવાખેડી ગામ ખાતે રહેતા રામકુંવર બાઈ પોતાના પતિ લક્ષ્મણ સિંહના મૃત્યુ બાદ એકલા રહે છે. તેમને ૫ દીકરાઓ છે પણ બધા જ લગ્ન બાદ અલગ થઈ ગયા હતા અને વૃદ્ધ માતાને રાખવા માટે કોઈ તૈયાર નથી.
આખરે લાચાર માતાએ ખિલચીપુર પોલીસ સ્ટેશન જઈને રાવ નાખી છે.
ત્યાર બાદ એસપી પ્રદીપ શર્માએ પાંચેય પુત્રોને સમજાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ વૃદ્ધ માતાનો સહારો બનવા માટે કોઈ તૈયાર નહોતું થયું. આ કારણે પ્રદીપ શર્માએ પાંચેય પુત્રો વિરૂદ્ધ કેસ નોંધવા આદેશ આપ્યો હતો અને તેમના વિરૂદ્ધ ‘વરિષ્ઠ નાગરિક દેખભાળ અધિનિયમની કલમ ૨૪’ અંતર્ગત ગુનો નોંધાયો છે.
પોલીસે વૃદ્ધાના ૩ દીકરાઓની ધરપકડ કરી છે અને બાકીના ૨ને ટૂંક સમયમાં જ પકડી લેવામાં આવશે. પતિના મૃત્યુ બાદ વૃદ્ધાના દીકરાઓ તેમને આશ્રય કે ખાધા-ખોરાકી આપવા તૈયાર નહોતા જેથી કંટાળીને ૮૦ વર્ષીય વૃદ્ધાએ કાયદાની મદદ લેવી પડી હતી.