“સાથ નિભાના સાથિયા ૨”નું શૂટિંગ અચાનક બંધ કરાયું
મુંબઈ: મુંબઈમાં લોકડાઉનના કારણે ટીવી સીરિયલ ‘સાથ નિભાના સાથિયા ૨’નું શૂટિંગ અચાનક રોકી દેવાયું છે. સાથ નિભાના સાથિયા ૨ના કલાકારોમાં હડકંપ છે કારણ કે, આજે તેઓ કામ પર જશે કે નહીં તે અંગે જાણતા નથી. સીરિયલમાં કનક દેસાઈનું પાત્ર ભજવી રહેલી આકાંક્ષા જુનેજાએ વાતચીત કરતાં કહ્યું કે, શહેરમાં અચાનક જે કંઈ બન્યું તેનાથી મને દુઃખ અને આઘાત લાગ્યો છે. વીકએન્ડમાં લોકડાઉન હોવાથી અમે વધારે શૂટિંગ કરી રહ્યા હતા.
શુક્રવાર સુધી શૂટિંગ કરીને અમે બેન્ક એપિસોડ રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમે બધા તૈયાર હતા. જ્યારે અમે શૂટિંગ પતાવીને ઘરે ગયા ત્યારે જાણ થઈ કે શહેરમાં શટડાઉન છે. હવે, શું થશે તે અંગે અમે ચર્ચા કરી હતી. આજે અમે શૂટિંગ કરીશું કે નહીં તે અંગે અમને જાણ નથી. તેણે વધુમાં ઉમેર્યું કે, કોઈએ પણ આ અંગે વિચાર્યું ન હોવાથી હડકંપ મચી ગયો હતો. આ ક્યાં સુધી ચાલશે તેની પણ કોઈને ખબર નથી. પ્રોડક્શન હાઉસે અમને જણાવ્યું હતું કે,
જ્યારે સત્તાધીશો તરફથી તેમને પરિપત્ર મળશે ત્યારે તેઓ અમને જાણ કરશે. અમને જાણ થઈ હતી કે કેટલોક વિસ્તાર લોકડાઉન હેઠળ છે. હું આઘાતમાં છું. અમે સીરિયલ શરુ કરી તેને હજું ૬ મહિના જ થયા છે. ગયા વર્ષે લોકડાઉનના કારણે ઘણા શો અચાનક જ બંધ થઈ ગયા હતા. સાથ નિભાના સાથિયા ૨’ સાથે પણ આમ ન થાય તે માટે આકાંક્ષા પ્રાર્થના કરી રહી છે. એક્ટ્રેસે કહ્યું કે, ‘આવું ન થાય તેની હું પ્રાર્થના કરી રહી છું. લોકોને શો પસંદ આવી રહ્યો છે’. સાથ નિભાના સાથિયા ૨ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં લોન્ચ થયો હતો. જેની શરુઆત સીઝન ૧ના એક્ટર્સ દેવોલીના ભટ્ટાચાર્જી અને રુપલ પટેલ સાથે થઈ હતી. તેનો રોલ નાનકડો હતો અને તેમણે બીજી સીઝનના પાત્રો સાથે ઓળખાણ કરાવી હતી.