સાધુના રુપે લોકોને લૂંટતાં બે શખ્સો કલોલ પાસેથી ઝબ્બે
અમદાવાદના પરદેશીનાથ હજાનાથ પઢીયાર અને તેના ભાઈ જવારીનાથ ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની ઝપેટમાં આવ્યા
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં લૂંટના બનાવો યથાવત રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે . ગાંધીનગરમાં બાવાનું રૂપ ધારણ કરી વ્યક્તિઓને રસ્તામાં રોકી આશ્રમનું સરનામું પૂછવાના બહાને ધ્યાન ભટકાવી સોનાના દાગીના તેમજ રોકડ રકમ સેરવી લઈ ફરાર થઈ જનાર બે સગા ભાઈઓને ક્રાઇમ બ્રાંચ દ્વારા પૂર્વ બાતમીના આધારે કલોલ પિયર કેનાલ પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે.
આ અંગે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ આરતી તેમની ટીમ સાથે કલોલ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કોસ્ટેબલને ચોક્કસ બાતમી મળી હતી કે બે ઈસમો પિયજ કેનાલ રોડ પરથી પસાર થઈ રહ્યા છે જેમાંના એક ઈસમે ભગવા કલરના કપડા તેમજ બીજાએ ટીશર્ટ તેમજ લોઅર પહેર્યું છે . જેઓ લોકોને વિશ્વાસમાં લઈ દાગીના તેમજ રોકડ રકમ સેરવી લેતાનું બાતમીદારે જણાવ્યું હતું.
જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી મળેલ સ્થળે દરોડો પાડતા મૂળ ગણેશપુરા ગામના હાલ રહે ગલોડિયાનો ટેકરો અમદાવાદના પરદેશીનાથ હજાનાથ પઢીયાર (મદારી) અને તેના ભાઈ જવારીનાથને ઝડપી પાડયા હતા. પુછપરછ કરતા નાગાબાવાનું રૂપ ધારણ કરીને આશ્રમ સરનામું પૂછવાના બહાને એકલ દોકલ વ્યક્તિને વાતોમાં રાખી દણીના રોકડ રકમ સેરવી લેતા હોવાનુ આરોપીઓએ કબૂલ્યું હતું. આ બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર જય વાઘેલાએ જણાવ્યું હતું કે, બન્ને ભાઈઓ તેના સાગરીત કાળુંનાથ ગુલાબ નાથ મદારી (રહે, ગોકુળપુરા ગાંધીનગર દષ્ણામ)ની કારમાં ગાંધીનગર, મહેમદાવાદ, મહુધા અને સાબરકાંઠાના વાલી વિસ્તારમાં જતા હતા. બાદમાં જવારીનાથ નાણાબાવાનો વેશ ધારણ કરતો હતો અને એકલદોકલ જતી વ્યક્તિઓને આશ્રમનું સરનામું પૂછવાના બહાને રોકીને વાતોમાં ધ્યાન ભટકાવી સોનાના દાગીના તેમજ રોકડ રકમ કાઢી લઈને કારમાં ફરાર થઈ જતા હતા.