સાબરકાંઠામાં અમારા આચાર્યની બદલી થશે તો આત્મહત્યા કરીશું: વિદ્યાર્થીઓએ ધારાસભ્યને કહ્યું
હિમતનગર, શાળામાં ગુરૂ શિષ્યોના સંબંધો અને લાગણીઓના અનેક કિસ્સા વારતહેવારે સામે આવતા હોય છે. અનેક વાર એવું જોવા મળે છે કે શિક્ષકોની બદલીના કારણે વિદ્યાર્થીઓ ચોધાર આંસુએ રડી પડે અને તેમને શાળા ન છોડવા આજીજી કરે. આવો જ એક કિસ્સો સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં બન્યો છે. જોકે, અહીંયા શાળામાંથી બદલી થનારા આચાર્યની બદલી ન થાય તે માટે વિદ્યાર્થીઓએ ધારાસભ્યને રજૂઆત કરી છે. વિદ્યાર્થીઓ હાથમાં માતાજીના ફોટા અને બેનર લઈને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓના હાથમાં બેનર હતા જેમાં લખેલું હતું કે અમારા આચાર્યની બદલી થશે તો અમે આત્મહત્યા કરીશુ.
આજે વહેલી સવારે પ્રાંતિજની મૌછા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ૭ વાગ્યે ગજેન્દ્રસિંહ પરમારના ઘરે પહોંચી ગયા હતા. તેઓ આ વિસ્તારના યુવાન ધારાસભ્ય છે. ધારાસભ્યે પણ વિદ્યાર્થીઓને આવકાર્યા અને તેમની રજૂઆત સાંભળી હતી.વિદ્યાર્થીઓની માંગ હતી કે અમારા આચાર્યની બદલી ન થાય, જો બદલી થશે તો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. વિદ્યાર્થીઓએ ગાંધીગીરી કરી હતી. એચ.ટાટમાં આચાર્ય ફાજલ પડતા તેમણે ધારાસભ્ય પાસે મદદ માંગી હતી. ધારાસભ્યએ વિદ્યાર્થીઓની માંગ અને રજૂઆત સાંભળી અને ઘટતુ કરવાની હૈયાધારણા આપી હતી.
ધારાસભ્ય ગજેન્દ્રસિંહે જણાવ્યું કે “બદલી અટકાવવી મારા હાથમાં નથી. તેમ છતાં હું બદલી ન થાય તેના માટે રજૂઆત કરીશું. હું શિક્ષણ વિભાગમાં રજૂઆત કરીશ” ઉલ્લેખનીય છે કે ગામડાંગામની શાળામાં જ્યારે બાળકો અભ્યાસઅર્થે આવે છે ત્યારે તેમને શિક્ષકોથી ખૂબ પ્રેરણા મળતી હોય છે. જોકે, બદલી એ સરકારી પ્રક્રિયાનો ભાગ છે ત્યારે આ વિદ્યાર્થીઓની માંગ સંતોશાશે કે નહીં તે જોવું રહ્યું.