સાબરકાંઠામાં શિક્ષકોનું ભરતી કૌભાંડઃ પ્રા.શિક્ષણાધિકારી સહિત ચાર સામે ફરિયાદ

મેરીટ લિસ્ટમાં ન હોવા છતાં બે શિક્ષિકાની સંગીત વિશારદ તરીકેની નિમણૂંકના હુક્મો આપી ભરતી કરી હતી
હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૦૮માં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં સંગીત વિશારદની ખાલી પડેલી ૦૬ જગ્યાઓ માટે સરકાર દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી પરંતુ તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ હેડ કલાર્ક અને સિનીયર કલાર્કે ભેગા મળી તમામ સરકારી નિયમો નેવે મૂકી મંજૂરી મેળવ્યા
સિવાય મેરીટ લિસ્ટમાં ન હોવા છતાં પણ બે શિક્ષકોની સંગીત વિશારદ તરીકેની નિમણુકના હુક્મો આપીને ભરતી કરી દેવામાં આવતા સમગ્ર પ્રકરણની તપાસ ગાંધીનગર સ્થિત સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા કરાઈ હતી જેમાં કસુરવાર જણાતાં તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, હેડકલાર્ક તેમજ સિનિયર કલાર્ક અને બે શિક્ષકો વિરૂદ્ધ તાલુકા કેળવણી નિરીક્ષક દ્વારા હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિત દ્વારા વર્ષ ૨૦૦૮માં મંજૂરીના આધારે પીટીસીના ૮ તથા સંગીત વિશારદની ૬ જગ્યાઓ માટે શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં સંગીત વિશારદ ભરતીમાં જનરલ કેટેગરીના ૮૦.૮૫ ટકા તથા ઓબીસી કેટેગરીમાં ૭૬.૧૧ કટઓફ માર્કસ નક્કી કરવામાં આવ્યા હતા.
આ કટ ઓફ માર્કસ મુજબ ભરતી સમિતિ દ્વારા કુલ ૬ ઉમેદવારોની પસંદગી પૂર્ણ કરી તા.૫-૬-૨૦૦૯ના રોજ પસંદગી પામેલા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરાઈ હતી. જેમાં (૧) પટેલ કોમલબેન જયંતિભાઈ (૨) દેસાઈ નિતાબેન રાજુભાઈ (૩) પટેલ મુકેશકુમાર રમણભાઈ (૪) ભટ્ટ મુકેશભાઈ ગંગારામભાઈ (૫) રાવળ રાકેશકુમાર સુરેન્દ્રકુમાર (૬) કચોટ વિજયકુમાર ઓઘડભાઈનો સમાવેશ થયો હતો. આ મેરીટ લિસ્ટ મુજબ તા.૨૭-૭-૨૦૧૦ના રોજ તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.એફ. પારઘી દ્વારા નિમણુંકના ઓર્ડર આપવામાં આવ્યા હતા.
જાેકે આ ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ મેરીટ લિસ્ટમાં નામ નહિ આવતાં પટેલ કિંજલબેન હરીભાઈ (રહે.મહાદેવપુરા, તા.હિંમતનગર) તથા પટેલ ધરતીબેન કાન્તીભાઈ (રહે.કપોડા, તા.ઈડર)એ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત અરજીઓ આપી હતી.
જેના આધારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ બંનેના પ્રમાણપત્રો તપાસતા તા.૨૫-૮-૨૦૧૦ના રોજ નિમણુંકના હુક્મ અપાયા હતા. ૬ સંગીત વિશારદની જાહેરાત હોવા છતાં વધુ બે ઉમેદવારને વધારાના નિમણુક હુક્મો આપવામાં આવ્યા હતાં.
જે અંગેની ખાતાકીય તપાસ થતાં તપાસ અધિકારી અને સંયુક્ત શિક્ષણ નિયામક પ્રાથમિક શિક્ષણ નિયામકની ક્ચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓએ દસ્તાવેજી પુરાવાઓની તપાસ કરી હતી
અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.એફ.પારઘી અને તેમની ક્ચેરીમાં ફરજ બજાવતાં હેડકલાર્ક એમ.એન.દવે તથા નિમણુંક મેળવનાર બંને વિદ્યાસહાયકો પટેલ ધરતીબેન કાન્તીભાઈ તથા પટેલ કિંજલબેન હરીભાઈનાઓએ ભેગા મળી ભરતી પ્રક્રિયાઓ ગેરરીતિ આચરી હોવાનું બહાર આવતાં ચારેય સામે ફરિયાદ નોંધાઈ છે.