સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં સીમેન્ટના ભાવમાં ૩ મહિનામાં થેલીએ રૂા.૫૦નો વધારો
બાંધકામ ક્ષેત્રને ભાવ વધારાની અસરઃ ભાવ રૂા.૪૦૦ને આંબવાની સંભાવના
બાયડ, ગરીબ-મધ્યમ વર્ગ માટે ઘર બનાવવું સ્વપ્ન સમાન બની રહે તે રીતે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સીમેન્ટના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે. છેલ્લા ૩ મહિનાથી સીમેન્ટની થેલીના ભાવમાં રૂા.૫૦નો વધારો થઈ જતાં બાંધકામ ક્ષેત્રને અસર થાય તેમ છે. જ્યારે આગામી દિવસોમાં સીમેન્ટના ભાવ રૂા.૪૦૦ને આંબી જવાની સંભાવના સીમેન્ટ વિક્રેતાઓ વ્યક્ત કરી રહ્યાં છે.
કાળઝાળ મોંઘવારીમાં જીવન નિર્વાહની તમામ ચીજવસ્તુઓ મોંઘી થતી જાય છે. રોટી, કપડા અને મકાન માનવીની પ્રાથમિક જરૂરિયાતો ગણાય છે પરંતુ તમામમાં મોંઘવારીની અસરથી આમ આદમીનું જીવન દુષ્કર બની ગયું છે અને હવે બાંધકામ માટે મહત્ત્વના મનાતા સીમેન્ટના ભાવમાં સીન્ડીકેટ રચાઈ હોય તેમ ભાવ વધારો ઓચિંતો ઝીંકી દેવાયો છે.
જિલ્લામાં સીમેન્ટના ભાવમાં છેલ્લા ૩ મહિનામાં રૂા.૫૦નો કમરતોડ વધારો ઝીંકાતા સામાન્ય પરિવારોએ નવા મકાનના બાંધકામ અટકાવી દેવાની ફરજ પડી છે. એટલું જ નહીં પરંતુ ભાવ વધારાની અસરથી બાંધકામ સાઈટોને પણ અસર થાય તેમ હોવાથી સૌ કોઈ સીમેન્ટના ભાવ વધારાથી ચિંતામાં મૂકાયા છે.
જિલ્લામાં ૪ મહિના પહેલાં સીમેન્ટની એક થેલીનો ભાવ રૂા.૩૩૦ હતો તેના આજે રૂા.૩૭૦ થઈ ગયા છે અને માત્ર ૩ મહિનાના ગાળામાં સીમેન્ટની થેલીના ભાવમાં તબક્કાવાર રીતે રૂા.૫૦નો વધારો થતાં નવા બાંધકામો ઠપ્પ થઈ જાય તેવી સ્થિતિ જાેવા મળી રહી છે.
સીમેન્ટના ભાવ વધારાથી સીમેન્ટ વિક્રેતાનો સંપર્ક કરતાં તેઓએ ભાવ વધારાને સ્વીકાર્યાે હતો અને આગામી દિવસોમાં સીમેન્ટની થેલીના ભાવ રૂા.૪૦૦ને આંબી જવાની સંદેહના પણ વ્યક્ત કરી હતી. ટૂંકમાં વધતી જતી મોંઘવારીમાં અગાઉથી જ ઈંટ, લોખંડ અને કપચીના ભાવ વધેલા છે ત્યાં ફરીથી સીમેન્ટના ભાવમાં જાેરદાર વધારો થતાં સામાન્ય માનવીનું ઘરનું સ્વપ્ન પાછળ ધકેલાય તેવી સ્થિતિ પેદા થઈ છે.