સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં GST બીલના બદલે કાચી ચીઠ્ઠીથી ચોકલેટ-બિસ્કીટનો લાખોનો વેપાર
સરકારી તિજાેરીને લાખોનો ફટકારો
બાયડ,સાબરકાંઠા અરવલ્લી જીલ્લામાં રોજ GST બીલના બદલે કાચી ચીઠ્ઠીથી ચોકલેટ તેમજ બિસ્કીટનો લાખોનો વેપાર થઈ રહયો છે. જયારે વેપારીઓ ગ્રામ્ય વિસ્તારમાં રોજ વાહનો લઈને વેપાર અર્થે જાય છે. ત્યારે નાના વેપારીઓને પાકું બીલ આપવામાં આવતું ન હોવાથી સરકારી તિજાેરીને GST. ટેક્ષ ન મળતાં ફટકો પડી રહયો છે. જયારે સરકારી તંત્ર પણ કાગળની ચબરકી ઉપર ચાલતા લાખોના વેપાર સામે આંખ મિચામણાં કરી રહયું છે.
જીલ્લામાં વેપારીઓ કોઈને કોઈ બહાને સરકારને ટેક્ષ ચુકવવો ન પડે તેવા હથકંડા અચુક અજમાવતા હોય છે વેપારીઓ પર જી.એસ.ટી. ટેક્ષ નાખી સરકારે ટેક્ષની ચોરી ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ જીલ્લામાં જી.એસ.ટી.ની અમલવારી અદ્રરતાલ બની રહી છે. ખાસ કરીને બિસ્કીટ તેમજ ચોકલેટનો દૈનિક વેચાણમાં હોલસેલ વેપારીઓ ટેક્ષ ચોરી કરી રહયા છે.
જયારે હોલસેલના વેપારીઓ દ્વારા સાઠંબા થી લઈ પોશીના પટ્ટા સુધીના વિસ્તારોમાં રોજ વાહનો ભરીને ગ્રામ્ય વિસ્તારોમાં ચોકલેટ-બિસ્કીટનો જથ્થો નાના વેપારીઓ દુકાનો સુધી ઠલવાય છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારના વેપારીઓને ટીન નંબર કે પાકુ બીલ પણ આપવામાં આવતું નથી અને GST ટેક્ષ નામની મલાઈ મોટા વેપારીઓ ચાટી જાય છે.
છેલ્લા કેટલાય સમયથી પાક બીલના બદલે કાચી ચીઠ્ઠીઓ ઉપર રોજ લાખોનો વેપલો થઈ રહયો છે. છતાં સરકારી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢતું હોય તેવી સ્થિતી છે. જીલ્લામાં GST. ની અમલવારી, છતાં ચોકલેટ, બિસ્કીટના હોલસેલ વેપારીઓ ગ્રાહકોને કાચાં બીલ પધરાવતા નજરે પડી રહયા છે.
જયારે ગ્રામ્ય વિસ્તારમાં ચોકલેટ બીસ્કીટનો રોજનો લાખોન વેપાર છતાં જી.એસ.ટી. નંબર સાથેનું બીલ આપવામાં આવતું નથી અને માત્ર કાગળની ચીઠ્ઠીઓ જ નાના વેપારીઓને પકડાવી દેવાય છે.જયારે કેટલાક વેપારીઓએ તો જી.એસ.ટી. અને ટીમ નંબરની નોંધણી કરાવ્યા વગર જ વેપારમાં છે. ટેક્ષ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં થઈ રહેલા ચોકલેટ બિસ્કીટના વેપારની તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાનું ડીસ્કલોઝર નીકળવાની આશંકા સેવાઈ રહી છે. મોટાભાગના વિસ્તારોમાં ગોળી, બીસ્કીટ, ચોકલેટ, તમાકુ, ગુટકા સહીતના વેચાણમાં વેપારીઓ જી.એસ.ટી.ની અમલવારી કરતા ન હોવાનું બહાર આવ્યું છે.