સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં લગ્નોની સીઝનમાં સીન્થેટીક માવાની બોલબાલા
બાયડ, સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં લગ્નોની સીઝન પુરબહારમાં ખીલી ઉઠી છે. અને સામાન્ય દિવસો કરતાંય જીલ્લાભરમાં માવાની માંગ અનેક ગણી વધી ગઈ છે ત્યારે કેટલાક માવાના વેપારીઓએ સીન્થેટીક માવો વેચવાની શરૂઆત કરતાં લગ્નોની મીઠાઈ સ્વાસ્થ્ય કથળાવે તેવી સ્થિતી ઉભી થઈ છે.
જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સીન્થેટીક માવાની બોલબાલા વધી ગઈ છે. પરંતુ જવાબદાર તંત્રએ એકપણ સ્થળેથી ૧૦૦ ગ્રામ જેટલોપણ સીન્થેટીક માવાનો જથ્થો ઝડપી ન શકતાં તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે.
જીલ્લામાં ફૂડ વિભાગની નિષ્ક્રીયતાથી ખાધ ચીજ વસ્તુઓમાં મીલાવટખોરીનો ધંધો અનેક ગણો વધી ગયો છે. કેટલાક લેભાગુ વેપારીઓ ભેળસેળ કરી પ્રજાના આરોગ્ય સાથે ગંભીર પ્રકારનો ચેડાં કરતા હોવા છતાં તંત્ર માત્ર કહેવા પુરતી કામગીરી કરતું હોય તેમ પેકીગ સેમ્પલ લઈ સંતોષ માની લેતું હોય છે.
જીલ્લામાં ભેળસેળીયા દૂધની બોલબાલા સર્વત્ર વધી ગયા પછી હવે લગ્નોની ખરી સીઝનમાં માવાની માંગમાં ધરખમ વધારો નોધાતાં કેટલાક લેભાગુ વેપારીઓએ બજારમાં સીન્થેટીક માવ વેચવાની શરૂઆત કરતાં લગ્ન દરમ્યાન યોજાતા ભોજન સમારંભોમાં માવાની મીઠાઈ આરોગવા જતાં બિમારીનો ભોગ બનવું પડે તેવી સ્થિતી દેખાઈ રહી છે.
પરંતુ હપ્તાખોર ફુડ વિભાગ સીન્થેટીક માવા બાબતે અજાણ હોય તેમ કોઈ જ કામગીરી ન કરતાં અત્યાર સુધી લગ્નોમાં હજારો કિલોગ્રામ સીન્થેટીક માવો મીઠાઈમાં વપરાઈ ગયાનું સંભાળઈ રહયું છે. જીલ્લામાં દૂધના ભઠ્ઠાવાળા પણ દૂધ ખરીદી માવો બનાવી સીઝનમાં કમાણી કરી લેતા હોય છે.
પરંતુ હાલની લગ્ન સીઝનમાં માવાની માંગ વધુ જાેવા મળતાં અન્ય જીલ્લાઓમાંથી માવાના વેપારીઓ માવો મંગાવી વેચાણ કરી રહયા છે અને મોટા ભાગે માવાની ગુણવત્તા માનવ આરોગ્ય માટે અત્યંત જાેખમી હોવાનું બતાવાઈ રહયું છે.
ત્યારે જીલ્લાનું જવાબદાર તંત્ર આળસ ખંખેરી સીન્થેટીક માવો વેચનારા વેપારીઓ સામે કડક પગલાં ભરે તે જરૂરી છે તે અન્યથા લગ્નોમાં માવાની મીઠાઈ આરોગી પ્રજા ગંભીર પ્રકારની બિમારીઓનો ભોગ બને તો કદાચ નવાઈ નહી હોય. જીલ્લામાં આયોજીત થતા લગ્ન સમારંભોમાં માવાની મીઠાઈઓને અગ્રતા આપવામાં આવી રહી છે.
ત્યારે બજારમાં વેચાતા માવાની ગુણવત્તા ચકાસવા બાબતે તંત્ર સજાગ નહી બને તો સીન્થેટીક માવામાં તૈયાર થતી મીઠાઈઓ આરોગવાથી પ્રજા બીમારીમાં સપડાય તેવી દહેશત સેવાઈ રહી છે.