સાબરકાંઠા-બનાસકાંઠાની હદમાં નદીમાં ગેરકાયદે રેતી-કાંકરાના ખોદકામની ફરિયાદ
બાયડ, ખેડબ્રહ્મા તાલુકાના નવા મોટા પાસે પસાર થતી સાબરમતી નદીમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે રેતી અને કાંકરાનું ખોદકામ થઈ રહ્યાની ફરિયાદ ઉઠી છે. મહેસાણા અને ગાંધીનગરના ઈસમો હીટાચી તેમજ અન્ય યાંત્રિક મશીનોથી મોટાપાયે ખોદકામ કરી રહ્યા છે
જેમાં તાજેતરમાં કેટલાક ખેડૂતોએ તેનો વિરોધ કરતાં ખનિજ ચોરોને ભાગવાની ફરજ પડી હતી. ગેરકાયદેસર રીતે સાબરકાંઠા ઉપરાંત બનાસકાંઠાની હદ સુધીમાં ખનિજ ચોરી કરનારાઓને કોના આશીર્વાદ છે તેવા સવાલ થઈ રહ્યા છે. જિલ્લામાં ખનિજ વિભાગ ખેતરમાંથી માટી ભરીને જતા ખેડૂતોને પજવીને દંડફટકારે છે તો પછી બેધારી નીતિ કેમ??
સાબરકાંઠા જિલ્લામાં ભુસ્તર વિભાગમાં ભ્રષ્ટાચારે માજા મુકયાની સમયાંતરે ફરિયાદો થતી હોય છે. દેખાડા ખાતર ખાણખનિજ અધિકારી કામગીરી કરતા હોવાથી અંતરીયાળ વિસ્તારોમાંથી પસાર થતી નદીમાં રાત દિવસ ગેરકાયદે ખનિજ ચોરી થવા લાગી છે.
ખેડબ્રહ્મા તાલુકાના નવામોટા પાસે પસાર થતી નદીમાં પટમાં મહેસાણા અને ગાંધીનગરના કેટલાક ઈસમો જે.સી.બી. અને હીટાચી સહિતના મશીન લગાવી રેતી, કાંકરાનું ખોદકામ કરી રહ્યા છે. ઘણા લાંબા સમયથી આ ઈસમો ખનિજ ચોરીનું રેકેટ ચલાવી રહ્યા હોવા છતાં સ્થાનિક તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહયું છે.
તાજેતરમાં ગેરકાયદે થતા ખોદકામનો ખેડૂતોએ વિરોધ કરતાં હાલ ખનિજ ખોદકામ પડતું મુકી હવે બનાસકાંઠાની હદમાં આડેધડ ખોદકામ શરુ કરાયાની વિગતો સામે આવી છે.