સાબરમતીમાં અસામાજીક તત્ત્વોએ યુવતી સાથે છેડતી કરી
બહેનને બચાવવા આવેલા ભાઈને પણ ઢોરમાર મારી પાંચ શખ્સો ફરાર
(પ્રતિનિધિ) અમદાવાદ: મહીલાઓ સાથે ગેરવર્તણુકની ઘટનાઓ વધતી હોવાના કારણે સામાન્ય નાગરીકોમાં પણ ભય ફેલાયો છે અને લોકો હવે પોતના ઘરની સ્ત્રીઓને એકલી બહાર જવા દેતા ગભરાઈ રહયા છે પોલીસતંત્ર દ્વારા ‘શી ટીમ’ની રચના કરવામાં આવી હોવા છતાં સમાજમાં વિકૃત માણસો ઓછા થતા નથી આ સ્થિતિમાં સાબરમતી વિસ્તારમાં એક યુવતી તેમના પડોશી સાથે જઈ રહી હતી ત્યારે પાંચ લુખ્ખાઓએ તેને આંતરીને ઈશારા કરી શારીરિક છેડતી કર્યા બાદ યુવતીના ભાઈને પણ ઢોરમાર મારવાની ફરીયાદ નોંધાઈ છે.
મૂળ બનાસકાંઠાની વતની યુવતી પરિવાર સાથે સાબરમતી વિસ્તારની એક સોસાયટીમાં રહે છે ગઈકાલે ર૦ વર્ષીય યુવતી પોતાના ઘરે બેઠી હતી ત્યારે પાડોશી મહીલાને વાગ્યુ હોવાથી તેમની સાથે દવાખાને જવા નીકળી હતી.
આઠ વાગ્યાના સુમારે તે ઠાકોરવાસના દરવાજા આગળ પહોંચતા ત્યાં ઉભા રહેલા લલન, દશરથ, મનોજ, કાળુ અને ટીન્યો ઉર્ફે પોચો નામના શખ્સોએ તેને બિભત્સ ઈશારા કર્યા હતા જેથી યુવતીએ તેમને ઠપકો આપતા આ શખ્સોએ તેને ઘેરી લઈને એકે તેનો હાથ પકડી લીધો હતો અને તેની સાથે આવેલી પાડોશી મહીલા વચ્ચે પડતાં તેને પણ ધક્કો મારી દીધો હતો.
આ ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થયા હતા દરમિયાન યુવતીના ભાઈને જાણ થતાં બહેનના બચાવમાં આવતા પાંચેય લુખ્ખા તત્વોએ તેની સાથે પણ મારામારી કરી હતી ભાઈને બચાવવા પડેલી યુવતીની પણ ટીશર્ટ ફાડી નાખ્યા બાદ તમામ શખ્સો ત્યાંથી ભાગી છુટ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં માહોલ તંગ બન્યો હતો આ અંગે જાણ કરાતા સાબરમતી પોલીસે પાંચેય શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધી તેમની અટકની કાર્યવાહી હાથ ધરી છે.