સાબરમતીમાં પતિએ મોં પર એસિડ નાખી કદરૂપી કરવાની ધમકી આપતાં પત્નીની ફરિયાદ
છેલ્લા એક વર્ષથી પતિ પત્ની સાથે ઝઘડા કરી મારામારી કરતો |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મહીલા તથા યુવતીઓ ઉપર અત્યાચારની ઘટનાઓ ચિંતાજનક હદે વધી છે. ખાસ કરીને પરીણીતા સાસરીયાઓ દ્વારા શારીરિરક તથા માનસિકરીતે હેરાન કરવાની ઘટનાઓ થોડા સમયથી ખૂબ પ્રકાશમાં આવી રહી છે. ઘરેલું હિંસા વિરૂધ્ધ કડક કાયદા બનાવવામાં આવ્યા હોવા છતાં મહીલાઓ સાથે બનતી હિંસાની ઘટના ઘટવાને બદલે વધી છે. દરેક મામલે અથવા પુત્ર ઘેલછા કે અન્ય સ્ત્રી સાથેનાં સંબંધો આવા અણબનાવ પાછળનાં મુખ્ય કારણ હોય છે.
જેને પરીણામે થતાં ઝઘડા કયારેક જીવલેણ સાબિત થતાં હોય છે. સાબરમતી પોલીસનાં ચોપડે પણ આવી જ ફરીયાદ નોધાઈ છે. જેમાં લગ્ન બાદ છેલ્લા એક વર્ષથી પત્નીને પરેશાન કરતાં પતિએ ગઈકાલે મારઝુડ કર્યા બાદ એસિડ છાંટી દેવાની ધમકી આપતાં ડરી ગયેલી પત્નીએ પોલીસ ફરીયાદ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ચકુબેનનાં લગ્ન કેટલાંક વર્ષે અગાઉ કનુભાઈ દેવાભાઈ પરમાર સાથે થયા હતા. લગ્ન બાદ શરૂઆતમાં બધુ સારું ચાલતું હતું. જા કે છેલ્લાં એક વર્ષમાં કોઈ કારણોસર કનુભાઈ ચકુબેન સાથે ખરાબ વર્તન કરતો હતો અને વારંવાર ઝઘડા કરી મારઝુડ કરતાં હતા. જા કે પોતાનો ઘરસંસાર બચાવી રાખવા માટે ચકુબેન પતિનો અત્યાચાર સહન કર્યે જતાં હતા.
ગઈકાલે પણ પતિએ ચકુબેન સાથે ઝઘડો શરૂ કર્યો હતો. જેનો વિરોધ કરતાં કનુભાઈએ પત્ની સાથે મારામારી ઝપાઝપી કરતાં ચકુબેનને શરીરે ઈજાઓ થઈ હતી. અને તેમણે બુમાબુમ કરી મુકતાં આસપાસનાં પાડોશીઓ પણ એકત્ર થઈ ગયા હતા. અને તેમને બચાવવા પ્રયત્ન કર્યો હતો. જા કે પતિ કનુભાઈ પર હેવાન સવાર હોય એમ પત્ની સાથે મારામારી કરી તેમણે મોં ઉપર એસીડ છાંટીને ચકુબેનને કદરૂપી કરી નાખવાની ધમકી આપી હતી.
જેથી ચકુબેન પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા. અને પોતાની પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ સીધા સાબરમતી પોલીસ સ્ટેશને પહોચી ગયા હતા. જયાં તેમણે કનુભાઈ વિરૂધ્ધ મારઝુડ કરી શારીરિકતથા માનસિક રીતે હેરાન કરવાની ફરીયાદ નોધાવી હતી. જેનાં પગલે પોલીસે કનુભાઈને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે પરીણીતા પર અત્યાચાર સહન ન થતા આત્મહત્યા કરવાનાં કેટલાંક બનાવો હાલમાં જ સામે આવ્યાં છે. ત્યારે વધુ એક ફરીયાદ નોંધાતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.