સાબરમતીમાં યુવતીની કાર તોડી જાનથી મારી નાંખવાની ધમકી
સંબંધ ઓછો કરતાં પરણીત પ્રેમીનું કારસ્તાન : થોડા સમય અગાઉ યુવતીને માર પણ માર્યો હતો
(પ્રતિનિધિ) અમદાવાદ સાબરમતી વિસ્તારમાં રહેતી એક યુવતીના ઘરે જઈ તેના પરીણીત પ્રેમીએ કારમાં તોડફોડ કર્યા બાદ તેને પણ મારવાની ધમકી આપતાં પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે સાબરમતી રેલવે કોલોનીની પાસે આવેલી એક સોસાયટીમાં રીમા (કાલ્પનિક નામ) પોતાના પરીવાર સાથે રહે છે ર૮ વર્ષીય રીમા લાલ દરવાજા નજીક આવેલી એક કોલેજમાં ભણતી હતી ત્યારે માલદેવ રઘુભાઈ ભરવાડ (જલધારા સોસાયટી, પારસનગર, ઈસનપુર) સાથે મિત્રતા થઈ હતી લગ્ન કરેલા હોવાની જાણ થવા છતાં માલદેવ રીમાના ઘરે આવ-જા કરતો હતો. આ અંગે માલદેવના માતા- પિતાને જાણ થતાં તેમણે રીમાના ઘરે આવીને ઝઘડો કર્યો હતો અને માલદેવ સાથે મિત્રતા રાખવાની ના પાડતાં રીમાએ ધીમે ધીમે સંબંધ ઓછા કર્યા હતા.
જેના કારણે માલદેવ ઉશ્કેરાઈ ગયો હતો અને રીમાને ફોન કીર ગંદી ગાળો બોલી મારા ફોન કેમ નથી ઉપાડતી અને મળવા કેમ નથી આવતી તેમ કહી જયાં મળે ત્યાં જાનથી મારવાની ધમકીઓ આપી હતી. મંગળવારે રાત્રે રીમા તેનાં મિત્રો સાથે બહાર ગઈ હતી એ વખતે માલદેવ તેના ઘરે આવ્યો હતો અને કારમાં તોડફોડ કરી હતી બાદમાં ફોન કરીને રીમાના પણ ગાડી જેવાં જ હાલ કરી નાખશે તેવી ધમકીઓ આપી હતી. આ ઘટના બાદ રીમાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં માલદેવ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં માલદેવે થોડા દિવસ અગાઉ તેને માર પણ માર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.