સાબરમતીમાં લોક રક્ષક જવાનને શખ્સે લાફો માર્યો
અમદાવાદ: સાબરમતી પોલીસે એક લોક સેવકને તેમની ફરજ નિભાવવામાં અડચણરૂપ બનવા અને તેમને ઈજા પહોંચાડવા બદલ ત્રણ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા અને રાણીપ વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષના લોક રક્ષક જવાન હેમંત પરમારે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, શનિવારે તેઓ તે વિસ્તારમાં આવેલા પાવર હાઉસ સર્કલ પાસે ફરજ પર હતા અને ટ્રાફિકનું સંચાલન કરી રહ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, ટ્રાફિક વધારે હોવાથી તેઓ પોતાના મોબાઈલમાંથી હેડ કોન્સ્ટેબલ નવનિત ચુનીલાલને કોલ કરી રહ્યા હતા. તે જ સમયે, એક કાર તેમની પાસે આવીને ઉભી રપહી હતી અને તેમને તેઓ ડ્યૂટી દરમિયાન ફોન પર કેમ વાતો કરી રહ્યા છો તેમ પૂછ્યું હતું. બાદમાં શખ્સે જવાનને અપશબ્દો કહેવાનું પણ શરુ કરી દીધું હતું. અચાનક જ કારમાં પાછળના ભાગમાં બેઠેલા એક શખ્સે તેમને લાફો મારી દીધો હતો.
ઘટના બાદ લોકોના ટોળા સ્થળે ઉમટ્યા હતા. પરમારે આ અંગે તરત જ આ વિશેની જાણ કંટ્રોલ રૂમને કરી હતી. સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેય શખ્સને પકડી લીધા હતા. ત્રણ શખ્સોમાં ડ્રાઈવર અને નવા વાડજમાં રહેતો હસમુખ પટેલ તેમજ અશોક પટેલ અને શુભ પટેલનો સમાવેશ થાય છે. અશોક પટેલ અને શુભ પટેલે જવાનને લાફો માર્યો હતો. પોલીસ ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને ગુનો નોંધ્યો હતો.