સાબરમતીમાં વેપારીને આંતરી ત્રણ લુંટારૂએ રોકડ અને વાહનની લુંટ ચલાવી
(પ્રતિનિધિ) અમદાવાદ: કાયદો અને વ્યવસ્થાની હાલત શહેરમાં એ હદે કથળી છે કે હવે રાતના અંધારામાં નાગરીક એકલા બહાર નીકળતા પણ ગભરાઈ રહયા છે ચોર અને લુંટારા સતત શિકારની શોધમાં જ ફરતા હોય તેમ નાગરીકોને જયાં ત્યાં લુંટી રહયા છે. આ સ્થિતિમાં સાબરમતીમાં પોતાની ઓફીસ બંધ કરી જઈ રહેલાં વેપારીને ત્રણ ઈસમો પકડીને ઝપાઝપી કરી ખિસ્સામાંથી રૂપિયા કાઢી લીધા હતા.
ઉપરાંત તેમનું વાહન પણ લુંટી લીધું હતું. આ ઘટના બાદમાં પ્રકાશમાં આવતા અન્ય વેપારીઓ પણ ચોંકયા છે. શાહીબાગ હઠીસીંહની વાડીની સામે ગરાજ ટ્રાવેલ્સ્ની ઓફીસમાં ટીકીટો બુક કરવાની નોકરી કરતા લાલુસીંગ ભેરૂસીંગ રાજપૂત (રહે. માધવપુરા) કેટલાક દિવસો પૂર્વે રાતના બાર વાગ્યે ઓફીસ બંધ કરી હિસાબના નાણાં લઈ સ્નેહ પ્લાઝા ચાંદખેડા તરફ જવા રવાના થયા હતા તે સુભાષબ્રીજથી ટોરેન્ટ પાવર ચાર રસ્તા તરફ જતા ચીમનભાઈ બ્રીજ નીચે જ તેમને ત્રણ લુંટારા મળ્યા હતા
જેમણે અચાનક લાલુસીંગના એક્ટિવા સ્ટીયરીંગ પકડતા તે રસ્તા પર પડયા હતા. બાદમાં બે લુંટારાએ તેમને પકડી રાખી ત્રીજાએ તેમના ખિસ્સામાંથી રોકડા ૧૦ હજાર અને મોબાઈલની લુંટ ચલાવી હતી બાદમાં ઝપાઝપી કરી ત્રણેય અલગ દિશામાં ભાગી ગયા હતા જેથી લાલુસીંગે એક લુંટારાનો પીછો કરતા આગળ જતા તે પણ ક્યાંક અંધારામાં છુપાઈ ગયો હતો. બાદમાં તે પોતાના એક્ટિવા પાસે પરત ફરતા લુંટારા તેમની એક્ટિવા પણ ચોરી ગયા હતા.
આ ઘટનાથી સ્તબ્ધ બની ગભરાઈ ગયેલા લાલુસીંગ પરત ઓફીસે જઈ સુઈ ગયા હતા બીજા દિવસે સવારે તેમના પિતા અને ભાઈ તેમને શોધવા આવતા લાલુસીંગે સમગ્ર ઘટનાનું વર્ણન કર્યુ હતુ ત્યારબાદ તે સાબરમતી પોલીસ સ્ટેશને પહોચ્યા હતા અને પોતાની ફરીયાદ નોંધાવી હતી.