સાબરમતીમાં ૨ ભાઈની હત્યાના મામલે ૧૨ વર્ષે આરોપી બબલુ અને સુંદર ઝડપાયા
અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં બે ભાઈઓની થયેલી હત્યા કેસમાં ૧૨ વર્ષ પછી બે આરોપીઓ પકડાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત વિસ્તારમાંથી બન્ને આરોપીઓને ઝડપી લેવાયા છે. જ્યારે આ કેસમાં ૧૫ આરોપીઓની સંડોવણી સામે આવતા અગાઉ ત્રણ આરોપીઓને પોલીસ પકડેલા. વર્ષ ૨૦૦૯માં સાબરમતી વિસ્તારમાં ધંધાકીય હરીફાઈની અદાવતમાં બે વ્યક્તિઓની ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ બંને સગાભાઇઓના મોત નિપજતા સાબરમતી પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી હતી. જાેકે ૧૧ વર્ષ બાદ પણ હત્યા કેસમાં કેટલાક આરોપીઓ ફરાર હતા,
જેને શોધવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા સુરત વિસ્તારમાંથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આરોપી બબલુ કુશવાહ અને સુંદર સિંઘ કુશવાહની પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે, સામાન્ય તકરારમાં બન્ને ભાઈઓની હત્યા કરવામાં આવી. બનાવ અંગે વાત કરીએ તો આરોપી ભૂરા સિંહ કુશવાહ અને તેના ભાઈ સહિત ભત્રીજાે અમદાવાદ એરપોર્ટ પર ઉભા રહીને ચણાચોર ગરમ વેચવાનો વ્યવસાય કરતા હતા.
આ દરમિયાન તેમના જ ગામના ૪ અન્ય લોકો એરપોર્ટ પર આવી ચણાચોર ગરમ વેચવા લાગ્યા. જેથી ધંધાકીય હરિફાઈને કારણે ઝઘડા થવા લાગ્યા અને અવારનવાર મારામારી પણ થતી હોવાથી અદાવત રાખી હુમલો કરવા માટે પ્લાનિંગ કર્યું હતું. જેમાં ૨૨ નવેમ્બર ૨૦૦૯ના રોજ રામ અવતાર પ્રજાપતિ અને તેના ચાર સાગરીતો એરપોર્ટથી ઓટો રીક્ષામાં બેસી સાબરમતી જતા હતા, તે દરમિયાન પ્રબોધ રાવળ બ્રિજના છેડા પર ૨ રીક્ષાઓ આવી, ફરિયાદી અને મરણ જનાર મુકેશ પ્રજાપતિ અને શ્રીકાંત પ્રજાપતિ પર ફાયરિંગ કરી જીવલેણ હુમલો કર્યો હતો.
જેમાં સારવાર દરમ્યાન શ્રીકાંત તને મુકેશ પ્રજાપતિનું મોત નીપજ્યું હતું. આ કેસમાં પોલીસે તપાસ કરતા ૧૫ જેટલા શખ્સોની સંડોવણી બહાર આવતાં ત્રણ આરોપીઓની અગાઉ ધરપકડ કરી ચૂકી હતી. જ્યારે હજુ પણ અન્ય આરોપીઓ આ કેસમાં પોલીસ ચોપડે ફરાર છે.