સાબરમતી જગાભાઈની ચાલીમાં કોરોનાના 16 પોઝિટિવ કેસ નોંધાયા
અમદાવાદ શહેરમાં કોરોના કેસ ની સંખ્યા લગભગ સ્થિર થઈ ગઈ છે. ચાલુ મહિના માં એકાદ-બે દિવસ ને બાદ કરતાં શહેર માં દૈનિક સરેરાશ 250 જેટલા કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓ આ બાબત ને તેમની સફળતા માની રહયા છે. જ્યારે વિપક્ષ ઘ્વારા ઓછા સેમ્પલ ના કારણે કેસ વધતા ન હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. રાજ્ય સરકારે લોકડાઉન 4.0 માં ઘણી બધી છુટછાટ આપી છે.
સરકારે કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટ વિસ્તાર ના આધારે વેપાર – ધંધા શરૂ કરવા છૂટ આપી છે. પરંતુ અમદાવાદ શહેરની પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ માં વહેંચણી કરવામાં આવી છે. જેમાં પૂર્વ વિસ્તાર ને નોન કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરી ને નિયમો ને આધીન વેપાર – ધંધા માટે પરવાનગી આપવામાં આવી છે. જેની સામે કેટલાક લોકોએ બળાપો વ્યકત કર્યો હતો. તેમજ પશ્ચિમ માં કેસ વધવાની દહેશત વ્યક્ત કરવામાં આવી હતી.
લોકડાઉન 4.0 દરમ્યાન અમદાવાદ પશ્ચિમ માં કેસ તો વધ્યા નથી પરંતુ પશ્ચિમ ના કેટલાક વિસ્તારો નવા હોટસ્પોટ બની રહ્યા હોય તેમ લાગે છે. શુક્રવારે સાબરમતી વૉર્ડ ની એક જ ચાલીમાં કોરોના ના 15 કરતા વધારે કેસ બહાર આવતા સ્થાનિકો માં ફફડાટ વ્યાપી ગયો છે જયારે અધિકારીઓ દોડતા થઈ ગયા છે.
શહેરમાં શુક્રવારે કોરોના ના 236 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પશ્ચિમ ઝોન ના સાબરમતી વૉર્ડ માં ધર્મદેવ પોસ્ટ ઓફિસ સામે આવેલ જગાભાઈ ની ચાલીમાં કોરોના ના 16 કેસ કન્ફર્મ થયા છે. કોરોનાના તમામ દર્દીઓ એક જ સમાજ ના છે. પોઝીટીવ દર્દીઓમાં બે અને આઠ વર્ષ ની બાળકી તેમજ આઠ વર્ષ ના એક બાળક નો પણ સમાવેશ થાય છે. ચાલીમાંથી 16 પોઝિટિવ કેસ બહાર આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન ના ઉચ્ચ અધિકારીઓ ઘ્વારા સમગ્ર વિસ્તાર ને સેનેટાઇઝ કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ ઘરે ઘરે સર્વે કરી ને શંકાસ્પદ દર્દીઓને શોધવામાં આવી રહ્યા છે.અગાઉ,ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પણ આવી જ પરિસ્થિતિ નું નિર્માણ થયું હતું. ગત સપ્તાહમાં વેજલપુર ના શ્રીનંદ નગરમાં પણ 13 કેસ નોંધાયા હતા.દાણીલીમડા માં સૈફી મંઝિલ , ઇસનપુર માં વિશાલનગર અને ધ્વનિ હાઇટ્સમાં પણ એક સાથે મોટી સંખ્યામાં કેસ બહાર આવ્યા હતા
અમદાવાદ શહેરના ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં કોરોના નો કહેર જોવા મળ્યો છે. જમાલપુર, દરિયાપુર, શાહપુર, દાણીલીમડા, બહેરામપુરા, ગોમતીપુર જેવા ગીચ વસ્તી ના વિસ્તાર માં કોરોના ના કેસ ખૂબ જ મોટી સંખ્યામાં નોંધાયા છે. લોકડાઉન 4.0 માં ઉતરઝોન ના વિસ્તારો પણ હોટસ્પોટ બની રહયા છે.