સાબરમતી જેલના હાઈ સિક્યુરીટી યાર્ડમાં હવાલદાર મોબાઈલ ફોન તથા તમાકુના જથ્થા સાથે પકડાતાં ચકચાર
અગાઉ કેદીઓ પ્રતિબંધીત વસ્તુઓ સાથે પકડાતાં હવે જેલ તંત્ર જ શંકાના દાયરામાં : ઝડતી ટીમે તપાસ કરતાં સમગ્ર વિગત બહાર આવી
(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતની સૌથી આધુનિક કહેવાતી અમદાવાદ શહેરની સાબરમતી જેલ કોઈને કોઈ બાબતે સતત ચર્ચામાં રહે છે. ક્યારેક જેલમાંથી ખંડણી માંગવાનું નેટવર્ક તો ક્યારેક પ્રતિબંધીત વસ્તુઓ ઉપરાંત મોબાઈલ ફોન મળવાના કિસ્સા પણ અવારનવાર સામે આવે છે. આ પરિસ્થિતિમાં સાબરમતી જેલના સ્ટાફે એક હવાલદારને જ મોબાઈલ ફોન તથા તમાકુના મોટા જથ્થા સાથે ઝડપી લેતા ચકચાર મચી છે. મંગળવારે બપોરે જેલના ઝડતી સ્કવોર્ડ દ્વારા હાઈસિક્યોરીટી ગણાતા વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી હતી જે દરમિયાન તેમણે એક હવાલદારને તપાસતા ગુપ્ત ભાગમાં સંતાડેલો મોબાઈલ મળ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે મંગળવારે બપોરે બાર વાગ્યાના સુમારે જેલ વિભાગના ઝડપી સ્કવોડની ટીમ જેમાં હિતેન પટેલ, અરજણસિંહ રાઠોડ, જયરામભાઈ દેસાઈ, કેતનભાઈ પટેલ, જયદિપસિંહ રાઠોડ, સુરપાલસિંહ સોલંકી સામેલ હતા તેમણે તપાસનો આરંભ કર્યો હતો અને મધ્યસ્થ જેલના વિભાગ ૧૧માં આવેલા હાઈ સિકયોરિટી યાર્ડમાં ઝડતી ચકાસણી ચલાવી હતી.
એ દરમિયાન હાઈસિક્યોરીટી યાર્ડમાં ફરજ બજાવતા હવાલદાર વિપુલ પ્રવિણભાઈ રામાનુજની પણ અંગજડતી કરવામાં આવતા અરજણસિંહને શંકા ગઈ હતી જેથી વિપુલભાઈના કપડાની તપાસ કરવામાં આવતા તેમણે ગુપ્ત ભાગમાં અંડરવેરમાં સંતાડી રાખેલો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જડતી ટીમ તથા ઉપરી અધિકારીઓની હાજરીમાં જ આ ઘટના બનતા તમામ લોકો ચોંકી ઉઠયા હતા અને વધુ તપાસ કરાતાં વિપુલભાઈના બુટમાંથી રર તમાકુની પડીકીઓ પણ મળી આવી હતી જેના પગલે ચકચાર મચી ગઈ હતી.
તાત્કાલિક આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં વિપુલભાઈ વિરુધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમની પુછપરછ શરૂ કરવામાં આવી હતી ઘટના બાદ સમગ્ર જેલ તંત્રમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં તેમણે તપાસનો આદેશ આપ્યો છે જેના પગલે વિપુલભાઈ ફોન તથા તમાકુની પડીકીઓ કોને આપવા માટે લાવ્યા હતા ? અગાઉ તેમણે કોઈને ફોન આપ્યો છે કે નહી ઉપરાંત કેટલા રૂપિયા લીધા હતા તથા હાઈસિક્યુરીટી અને સુરક્ષાના તમામ સાધનો હોવા છતાં તમાકુ તથા ફોન આટલે અંદર કઈ રીતે લઈ આવ્યા એ દિશામાં તપાસ હાથ ધરી છે અવારનવાર આવી પ્રતિબંધીત વસ્તુઓ જેલમાં પકડાતા તંત્ર પણ શંકાના દાયરામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન શરૂ થયાના થોડા દિવસ અગાઉ પણ જેલતંત્રનો એક કર્મચારી પ્રતિબંધીત વસ્તુઓ સાથે પકડાયો હતો પરંતુ બાદમાં તે અચાનક ગાયબ થઈ ગયો હતો અને પોલીસ તેને શોધતી રહી ગઈ હતી હવે ફરી વખત આવી ઘટના બનતા જેલતંત્ર અને આરોપીઓ વચ્ચેના તાર જાેડાયેલા હોય તેવું ચિત્ર ઉભુ થઈ રહયુ છે. જાે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે.