સાબરમતી જેલમાંથી બિનવારસી મોબાઈલ ફોન મળ્યો
કેદીઓએ ફોન પોતાનો હોવાની ના પાડતાં એફએસએલમાં મોકલી અપાયો |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી સાબરમતી સેન્ટ્રલ જેલમાં (sabarmati central jail) અનેક ખૂંખાર કેદીઓ સજા કાપી રહયા છે જેના પરિણામે આ જેલમાં સતત સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હોય છે
આ ઉપરાંત સમગ્ર જેલમાં સીસીટીવી (CCTV) કેમેરા પણ લગાડેલા છે તેમ છતાં જેલમાંથી મોબાઈલ ફોન મળવાની ઘટનાઓ અવિરતપણે બની રહી છે ગઈકાલે જુની જેલ વિભાગ-૧ પાસેથી બિનવારસી હાલતમાં એક મોબાઈલ ફોન અને સીમકાર્ડ મળી આવતા જેલ સત્તાવાળાઓએ આ મોબાઈલ ફોનના માલિકને શોધી કાઢવા માટે ફોનને એફએસએલ (FSL, gandhinagar) માં મોકલી રાણીપ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કેદીઓને અવારનવાર મુદત પર બંદોબસ્ત વચ્ચે કેદીઓને કોટમાં લઈ જવામાં આવતા હોય છે આ ઉપરાંત કેદીઓને તેઓના પરિવારજનોને પણ મળવા દેવામાં આવતા હોય છે આ સમયે જેલ વિભાગના કર્મચારીઓ સતત કેદીઓ સાથે હાજર હોય છે
તેમ છતાં કેદીઓ પાસે મોબાઈલ ફોન આવી જાય છે જે ચિતાની બાબત છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં અવારનવાર મોબાઈલ ફોન મળવાની ઘટનાઓ ઘટી રહી છે
ગઈકાલે સાબરમતી સેન્ટ્રલ જેલમાં જુની જેલ વિભાગ-૧ માં આવેલી બડાચકકર બેરેક નં.૩/ર માં જેલ સત્તાવાળાઓ દ્વારા રૂટીન કાર્યવાહી મુજબ જડતી લેવામાં આવતી હતી આ ઉપરાંત બેરેકની આસપાસના વિસ્તારમાં પણ ચેકિંગ કરવામાં આવી રહયું હતું આ સ્થળે આવેલા શૌચાલયની પાછળના ભાગમાં ઝાડીઓ આવેલી છે તેમાં પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ દરમિયાનમાં ઝાડીઓની વચ્ચેથી એક મોબાઈલ ફોન અને સીમકાર્ડ બીનવારસી હાલતમાં મળી આવતા જેલના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા પ્રારંભમાં કેદીઓની પુછપરછ કરતા કેદીઓએ આ મોબાઈલ ફોન તેમનો નહી હોવાનું જણાવ્યું હતું. મોબાઈલ ફોન કયા કેદી પાસે હતો તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી અને આ અંગે રાણીપ પોલીસને પણ જાણ કરાઈ હતી.
સૌ પ્રથમ મોબાઈલ ફોનની કોલ ડીટેઇલ્સ મેળવવા માટે એફએસએલને મોકલી આપવામાં આવ્યો છે અને એફએસએલના રિપોર્ટના આધારે આ મોબાઈલ ફોનમાંથી કોને કોને ફોન થયા છે તેની વિગતો મળતા જ કયા કેદીનો આ મોબાઈલ ફોન છે તે બહાર આવશે હાલમાં રાણીપ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.