સાબરમતી જેલમાંથી વધુ એક મોબાઈલ અને ચાર્જર મળી આવ્યાં
જેલ સત્તાવાળાઓની સર્ચની કામગીરીથી કેદીઓ મોબાઈલ ફોન સંતાડવા લાગ્યા
અમદાવાદ: અમદાવાદ શહેરમાં આવેલી સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કુખ્યાત આરોપી વિશાલ ગોસ્વામી દ્વારા ખંડણીનું નેટવર્ક ચલાવાતું હોવાનાં ષડયંત્રનો પર્દાફાશ થયાં બાદ જેલ સત્તાવાળાઓ સતર્ક બની ગયાં છે જેનાં પગલે સાબરમતી જેલમાંથી મોબાઈલ ફોન પકડાવવાની ઘટનાનો સિલસિલો ચાલુ થયો છે. સાબરમતી જેલમાં નિયમિત રીતે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યો છે. જેનાં પરીણામે ગઈકાલે વધુ એક મોબાઈલ ફોન અને ચા‹જગ બિનવારસી હાલતમાં મળી આવતાં આ અંગે રાણીપ પોલીસ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી બેઠાં બેઠાં મોબાઈલ ફોન ઉપર કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી વેપારીઓને ધમકીઓ આપી ખંડણીઓ ઉઘરાવતો હતો આ અંગે તપાસ શરૂ કરતાં જેલમાંથી વિશાલ ગોસ્વામીની ધરપકડ કરી તપાસ શરૂ કરવામાં આવતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેલમાં મોબાઈલ ફોન કઈ રીતે પહોંચ્યા તે સૌ પ્રથમ ચિંતાનો વિષય બન્યો હતો.
અને આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ચોંકાવનારી વિગતો જણાવી હતી. જેલ સત્તાવાળાઓની કામગીરી સામે પણ સવાલો ઉઠવા લાગતાં આ ઘટના બાદ અધિકારીઓ સતર્ક બની ગયાં છે. અને સાબરમતી જેલમાં વ્યાપક પ્રમાણમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. નિયમિત રીતે જેલમાં સર્ચ ઓપરેશન કરાતાં મોબાઈલ ફોન રાખતાં કેદીઓમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે. એટલું જ નહીં પરંતુ કેદીઓ પોતાની પાસેનાં મોબાઈલ ફોન સંતાડી દેવા માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવી રહ્યાં છે.
સાબરમતી જેલ સત્તાવાળાઓ દ્વારા તમામ કેદીઓ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને શંકાસ્પદ હિલચાલ જણાય તો તરત જ જેલસત્તાવાળાઓ કાર્યવાહી કરતાં જાવા મળી રહ્યાં છે. જેલમાં શરૂ થયેલી સર્ચ ઓપરેશનની કામગીરીથી કેદીઓ પણ એલર્ટ થયેલાં છે. અને પોતાની પાસેનાં મોબાઈલ ફોન સંતાડવા લાગતાં છેલ્લાં કેટલાંક સમયથી જેલમાંથી બિનવારસી હાલતમાં મોબાઈલ ફોન મળવાનો સિલસિલો શરૂ થયો છે. ગઈકાલે સાબમરતી સેન્ટ્રલ જેલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું
આ દરમ્યાનમાં નવી જેલનાં સર્કલ યાર્ડ-૨ની પાછળ બેરેક નં-૨ પાસે ગટર નજીકથી મોબાઈલ ફોન અને ચાર્જર મળી આવ્યાં હતા. આ મોબાઈલ ફોન અને ચાર્જર પ્લાસ્ટીકની કોથળીમાં કાર્બન પેપરમાં લપેટેલાં હતાં અને ઉપર દૂધની થેલી પણ લપેટવામાં આવી હતી.
સાબરમતી જેલ સત્તાવાળાઓ બિનવારસી હાલતમાં મળેલાં મોબાઈલ ફોન અને ચાર્જર અંગે તપાસ શરૂ કરી હતી. આ બેરેકમાં રહેતાં તમામ કેદીઓની પૂછપરછ શરૂ કરતાં એકપણ કેદીએ આ મોબાઈલ તેમનો ન હોવાનું સ્વીકાર્યું હતું.
જેનાં પગલે જેલ સત્તાવાળાઓએ આ અંગે રાણીપ પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો દાખલ કરી આ મોબાઈલ ફોનની વિગતો મેળવવા માટે એફએસએલને મોકલી આપવામાં આવ્યો છે. એફએસએલનાં રિપોર્ટ બાદ જ મોબાઈલની સાચી હકીકત બહાર આવે તેવી શક્યતા છે.
અગાઉ પણ બે જેટલાં મોબાઈલ ફોન બિનવારસી હાલતમાં મળી આવ્યાં હતા તે પણ એફએસએલમાં તપાસઅર્થે મોકલવામાં આવેલાં છે. આમ જેલ સત્તાવાળાઓનાં સર્ચ ઓપરેશનની કામગીરીથી કેદીઓ મોબાઈલ ફોન સંતાડવા લાગ્યાં હતાં.