સાબરમતી જેલમાંથી વધુ બે મોબાઈલ ફોન ઝડપાયા
કાચા કામના કેદીની ઝડતી દરમ્યાન હાથમાં સંતાડેલા મોબાઈલ ફોન જપ્ત કરાયાઃ બંન્ને આરોપીઓની સઘન પૂછપરછ |
અમદાવાદ : અમદાવાદ શહેરમાં આવેલી સાબરમતિ સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ ફોન પકડવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે.જેના પગલે જેલ પ્રશાસન તંત્ર દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. ગઈકાલે સાંજે નિત્ય ક્રમ મુજબ કેદીઓનું ચેકીંગ કરવામાં આવતું હતુ ત્યારે કાચા કામના બે કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવતા બંન્ને વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલમાં અનેક ખુંખાર કેદીઓ સજા કાપી રહ્યા છે. જેલમાં સુરક્ષા માટે સખ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર જેલમાં સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે છતાં પણ કેદીઓ મોબાઈલ ફોન મેળવી લેતા હોય છે. જેલમાં દરેક કેદીઓ ઉપર બાજનજર રાખવામાં આવતી હોય છે. આ દરમ્યાન સાબરમતી જેલમાં નવી બનાવવામાં આવેલી શાંતિનિકેતન યાર્ડના બેરેક નં.રમાં કાચા કામના બે આરોપીઓ સલીમુદ્દીન શેખ અને ઋતુલ ત્રિવેદીની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી.
જેના પગલે તેના ઉપર નજર રાખવામાં આવી રહી હતી. દરમ્યાનમાં ગઈકાલે સાંજે નિત્ય ક્રમ મુજબ તમામ કેદીઓની તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં આ બંનને કેદીઓની ઝડતી લેવામાં આવતા તેઓએ પોતાના મોબાઈલ ફોન હાથમાં સંતાડી દીધા હતા. પરંતુ જેલ સતાવાળાઓએ આ બંન્ને ફોન કબજે કર્યા હતા.
જેલમાંથી વધુ બે મોબાઈલ ફોન મળવાની ઘટનાથી ઉચ્ચ અધિકારીઓ સતર્ક બની ગયા હતા. બંન્ને આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સૌ પ્રથમ બંન્ને આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન કઈ રીતે આવ્યા એ અંગે સઘન પુછપરછ શરૂ કરવામાં આવી છે.