સાબરમતી જેલમાં એક કેદી દ્વારા ગળેફાંસો ખાઈ આપઘાત
અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં મહમ્મદ શહજાદ ઉર્ફે સંજુ પઠાણ નામના કેદીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં જેલ સંકુલમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને જેલના અન્ય કેદીઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. સાબરમતી જેલમાં કેદીની આત્મહત્યાએ ભારે ચર્ચા જગાવી હતી. રાણીપ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. સાબરમતી જેલમાં કેદીઓ વચ્ચે મારામારી, જેલમાંથી કેદીઓ પાસેથી મોબાઇલ મળવા અને કયારેક કેદી દ્વારા જેલમાં જ આત્મહત્યાના બનાવો સમયાંતરે સામે આવતા રહે છે.
ત્યારે સાબરમતી જેલમાં વધુ એક કેદીએ જેલ સંકુલમાં જ બેરેકમાં જ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. કેદીએ કયા કારણસર આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું તેને લઇ અનેક સવાલો ઉઠયા હતા. મૃતક કેદી મર્ડર કેસને લઈ જેલમાં હતો. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મહમ્મદ શહજાદ ત્રણ વર્ષથી જેલમાં બંધ હતો. તેણે જુની જેલમાં બેરેકના સળિયા સાથે કપડું બાંધી આત્મહત્યા કરી લીધી હોવાની વાત સામે આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ સાબરમતી જેલના સત્તાધીશો દ્વારા તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જેને પગલે તેના પરિવારજનો પણ હોસ્પિટલે દોડી ગયા હતા. બીજીબાજુ, ઘટનાની જાણ થતાં રાણીપ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જા કે, કેદીની આત્મહત્યાને લઇ જેલના અન્ય કેદીઓમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને શોકની લાગણી પણ પ્રસરી ગઇ હતી.