Western Times News

Gujarati News

સાબરમતી જેલમાં કેદીઓ વચ્ચે મારામારી

Files Photo

એક કેદીને ગંભીર ઈજા:  જેલ સત્તાવાળાઓ તાત્કાલિક દોડી આવી કેદીઓને છુટા પાડયાઃ ત્રણ કેદીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આવેલી સાબરમતી સેન્ટ્રલ જેલમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ ફોન મળવાની ઘટનાથી જેલ અધિકારીઓ હાઈએલર્ટ પર છે અને જેલમાં નિયમિત રીતે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહયું છે સાથે સાથે દરેક કેદીની હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે


આ પરિસ્થિતિ  વચ્ચે ગઈકાલે સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદીઓ વચ્ચે મારામારી થતાં એક કેદીને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જેલના અધિકારીઓ દોડી આવ્યા હતા અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. રાણીપ પોલીસે ત્રણ કેદીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે જેલના અધિકારીઓ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહયા છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી સાબરમતી જેલમાં અનેક ખૂંખાર કેદીઓ સજા કાપી રહયા છે અને તમામ કેદીઓ પર નજર રાખવામાં આવી રહી છે સાબરમતી સેન્ટ્રલ જેલમાં જામર પણ લગાડવામાં આવેલા છે તથા જેલના તમામ કેદીઓ પર નજર રહી શકે તે રીતે સીસીટીવી કેમેરા લગાડી દેવામાં આવ્યા છે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ખંડણીનું નેટવર્ક પકડાતા જેલના અધિકારીઓ એલર્ટ બની ગયા છે અને નિયમિત રીતે સમગ્ર જેલમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહયું છે જેના પગલે સંખ્યાબંધ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.  સાબરમતી જેલમાંથી મોબાઈલ ફોન મળવાની ઘટનાને પગલે જેલ અધિકારીઓ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે આ દરમિયાનમાં ગઈકાલે સાંજે સાબરમતી જેલમાં એક ચોંકાવનારી ઘટના ઘટી હતી.

સાબરમતી મધ્યસ્થ જેલમાં સર્કલ યાર્ડ નં.૭ ની બેરેક નં.૭/૧ અને ૭/ર ની પાસે આવેલા વોશરૂમ આગળ કાચા કામના કેદીઓ એકત્ર થયા હતા જેલમાં કેદ અકરમ કાદરભાઈ શેખને આજ જેલમાં કેદ અન્ય કેદીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી જેના પગલે ગઈકાલે સાંજે વોશરૂમ આગળ સંજય વ્યાસ અને તેના બે મિત્રોએ ભેગા થઈ અકરમ શેખને અટકાવ્યા હતા અને તેની સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા.
આ દરમિયાનમાં મામલો ઉગ્ર બનતા સંજય અને તેના સાથીદારોએ તેમની પાસેની લોખંડની ધારદાર પટ્ટી જેવું હથિયાર કાઢી અકરમભાઈ પર હુમલો કર્યો હતો અને તેના આખા શરીર પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેના પગલે અકરમભાઈ લોહી લુહાણ થઈ ગયા હતાં અકરમભાઈએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો જેના પગલે નાસભાગ મચી ગઈ હતી.

જેલમાં કેદીઓ વચ્ચે મારામારીની ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા આ સમયે સાબરમતી જેલમાં ડ્યુટી જેલર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ પટેલ સ્ટાફ સાથે પહોંચી જઈ કેદીઓને છુટા પાડયા હતા અને તાત્કાલિક અકરમભાઈને જેલમાં જ આવેલા દવાખાનામાં સારવાર અર્થે ખસેડયા હતા આ અંગે અકરમભાઈનું નિવેદન લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ સંજય વ્યાસ તથા અન્ય બે કેદીઓ સામે ફરિયાદ નોંધાવતા રાણીપ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.