સાબરમતી જેલમાં કેદીઓ વચ્ચે મારામારીઃ બે ને ઈજા
(પ્રતિનિધિ) અમદાવાદ, સાબરમતી મધ્યસ્થ જેલમાં રાજય તથા દેશના મોટા આરોપી સહીત કેટલાય આરોપીઓને બંધ કરવામાં આવે છે અને અવારનવાર આ જેલ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતી હોય છે ત્યારે વારંવાર મોબાઈલ ફોન મળવાના કારણે પ્રકાશમાં આવતી જેલમાં સામાન્ય બાબતે કેદીઓ વચ્ચે ઝઘડો થતાં બે કેદીઓએ અન્ય બે કેદીઓ ઉપર ખુની હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. બુમાબુમ થતા જેલનો સ્ટાફ તુરંત દોડી આવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે સાબરમતી મધ્યસ્થ જેલની નવી જેલ સર્કલ યાર્ડ નં. ૩ ની એક બેરેકમાં કાચા કામના કેદી તરીકે સાદાબ અનવરભાઈ કુરેશી (ર૭) દાણીલીમડા, સમીલ યુનુશભાઈ કુરેશી તથા સબ્બીર ઉર્ફે સોહેબ જમ્મનભાઈ રંગરેજ (૩૬) અને તેનો ભાઈ શાહરૂખ ઉર્ફે જલેબી રંગરેજ (ર૬) રહે છે.
સોમવારે સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં સાદાબ અને સમીર નમાઝ અદા કરતા હતા જયારે સબ્બીર કુરાન વાંચતા વાંચતા અન્ય કેદી ફિરોઝ હનીફ શેખને અપશબ્દો બોલતો હતો જેથી સાદાબે તેને અપશબ્દો ન બોલવા સમજાવતા શબ્બીર તેની ઉપર ગુસ્સે થયો હતો અને નમાઝ પતી જવા દે પછી તને બતાવું છું તેવી ધમકી આપી હતી.
રાતના સમયે બધા કેદીઓ પોતાની પથારીમાં બેઠા બેઠા વાતો કરતાં હતા ત્યારે અગિયાર વાગ્યે શબ્બીર પતરાનો ટુકડો તથા શાહરૂખ લાકડાનો ટુકડો લઈને આવ્યો હતો અને સાદાબ ઉપર હુમલો કર્યો હતો. લોહીલુહાણ થયેલા મિત્રને જાેઈ સમીર તેને બચાવવા વચ્ચે પડતાં બંને હુમલાખોર ભાઈઓએ તેની ઉપર પણ જીવલેણ હુમલો કરતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આ દરમિયાન બુમાબુમ મચી જતાં જેલનો સ્ટાફ દોડી આવ્યો હતો અને સાદાબ તથા સમીરને હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. સાદાબે રાણીપ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરીયાદ નોંધાવી છે જેલમાં આવી ઘટના બનતાં જેલ અધિકારીઓ પણ ચોંકી ગયા છે જયારે કેદીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.