સાબરમતી જેલમાં શરૂ કરવામાં કેદીઓ અને પરિવારજનોને સાંકળતી કડી E- મુલાકાત
અમદાવાદ, સમગ્ર ભારત તથા ગુજરાતમાં જ્યારે કોરોનાવાયરસ કોવીડ 19 ની ભયાવહ અસર જોવા મળે છે ત્યારે સ્વાભાવિક છે કે જેલમાં રહેલા આરોપી તથા કેદીને પણ તેમના કુટુંબીજનો તથા સગા – સંબંધીની ચિંતા થાય તે સ્વાભાવિક બાબત છે . સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ દ્વારા હાલના પ્રવર્તમાન સમયમાં કોરોના વાયરસની ગંભીર અસરના કારણે કેદીઓ સાથે પરિવારજનોની મુલાકાત બંધ કરવામાં આવેલ છે.
અમદાવાદ મધ્યસ્થ જેલ દ્વારા જેલમાં રહેલા કેદીઓને તેમના પરિવાર સાથે વીડિયો કોલના માધ્યમથી મુલાકાત થઈ શકે તે માટે ખૂબ જ મોટી સંખ્યામાં E મુલાકાત અભિયાન શરૂ કરવામાં આવેલ છે . જેમાં રોજેરોજ મોટી સંખ્યામાં કાચા તથા પાકા કામના આરોપીને તેમના પરિવાર સાથે E મુલાકાતના માધ્યમથી સંપર્ક કરાવવામાં આવે છે .
અને આ E મુલાકાત બાદ કેદીઓમાં એક પ્રકારની સંતોષની લાગણી જોવા મળે છે પોતાના પરિવારને ખુશ તથા તંદુરસ્ત જોઈ તેઓ રૂબરૂ મળ્યાનો આનંદ પણ આનંદ અનુભવે છે . અને આ કારણે થોડા ઘણા અંશે તેઓ માનસિક તાણમાંથી મુક્તિ પણ મેળવે છે અને આ લોકડાઉનમાં કેદીઓના પરિવાર પણ ઘરે જ રહીને તેમના કેદમાં રહેલા લોકો સાથે સંપર્કમાં રહી શકે છે.
સાબરમતી મધ્યસ્થ જેલના નાયબ અધિક્ષકશ્રી ડી. વી. રાણાએ જણાવ્યું કે ” રૂબરૂ મુલાકાત બંધ કરાતા જેલમાં રહેલા કેદીઓને માનસિક રીતે સ્વસ્થ અને મુક્તમને રાખવા માટે આ નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. કેદીઓ એકલતા ન અનુભવે તે હેતુથી E – મુલાકાત દ્વારા રોજે – રોજ ૫૦ જેટલા કેદીઓના પરિવાર સાથે મુલાકાત કરાવવામાં આવે છે.
છેલ્લા પંદર દિવસમાં આશરે ૫૦૦થી વધુ કેદીઓની તેમના પરિવાર સાથે E – મુલાકાતના માધ્યમથી સંપર્ક કરાવી શક્યા છીએ અને હજી પણ આ કાર્યવાહી અવિરતપણે ચાલુ રાખવામાં આવનાર છે.”
પરિવારજનો પણ ઘેર રહીને પોતાના જેલમાં સજા કાપી રહેલા સ્વજનો સાથે સંપર્કમાં રહેતા હોવાથી સંતોષની લાગણી સાથે સાબરમતી જેલના અધિકારીશ્રીનો આભાર વ્યક્ત કરે છે. – મનીષા પ્રધાન