સાબરમતી નદીમાં આપઘાતના બનાવો વધ્યાઃઅઠવાડીયામાં ૭ ને બહાર કઢાયા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: લોકડાઉનને હળવો કરીને અનલોક-૧ ની જાહેરાત કરવામાં આવ્યા બાદ શહેરમાં મોટાભાગની ગતિવિધિઓ સામાન્ય બની રહી છે. જા કે અનલોક-૧ની શરૂઆત થતાં જ અમદાવાદમાં આપઘાતના બનાવોમાં ભારે ઉછાળો આવ્યો છે…. ક્યાંક નાગરીકો ઘરમાં તો ક્યાંક નદીમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. બુધવારે એક યુવાને ઓવરબ્રિજ ઉપરથી કૂદીને આપઘાત કરવાનો બનાવ પણ બન્યો હતો. આ સ્થિતિમાં સાબરમતી નદીમાંથી લાશો મળવાના કિસ્સા પણ વધ્યા છે.
આ અંગે સાબરમતી રીવરફ્રન્ટ ઉપર ફાયરમેન તરીકે ફરજ બજાવતા ભરતભાઈ માંગેલા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે લોકડાઉન દરમ્યાન નાગરીકો ઘરમાં જ હતા. પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ જૂન મહિનાથી સાબરમતી નદીમાં આપઘાત કરવાનો અને લાશો મળવાનો સિલસિલો અચાનક વધી ગયો છે. જૂન મહિનામાં જ આઠ પુરૂષ તથા ત્રણ મહિલાને મૃત અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિઓને જીવીત હાલતમાં બચાવી લેવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના ર૦ થી ૩પ વર્ષની વયના છે.
સાબરમતી નદીમાંથી કાઢવામાં આવલા મૃતદેહોમાંથી મોટાભાગની ઓળખવિધિ થઈ ગઈ હતી. જ્યારે ૩ લોકોના હજુ પણ નામ સરનામા મેળવી શકાય નથી. હાલ સુધીની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડીયામાં લગભગ દરરોજ એક મૃતદેહ કે જીવીત વ્યક્તિને બહાર કાઢવામાં આવતા હતા. જ્યારે ૧૭ મી તારીખ બુધવારે આ મહિનામાં સૌથી વધુ એટલે કે એક જ દિવસમાં બે પુરૂષ અને એક સ્ત્રી લાશ કાઢવામાં આવી હતી.
સાબરમતી નદી બે પોલીસ સ્ટેશન વચ્ચે વહેંચાયેલી છે. જેમાં સૌથી વધુ બનાવો રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવે છે. કારણ કે મોટાભાગની ઘટનાઓ આંબેડકર બ્રિજથી ગાંધીબ્રિજની વચ્ચે બને છે. જે વેસ્ટ પોલીસ સ્ટેશનની હદમાં છે.આપઘાત કરતી ૯૦ ટકા વ્યક્તિ રીવરફ્રન્ટ વાક વે પરથી ઝંપલાવે છે. નદી પરના તમામ બ્રિજ પર જાળી લગાવી દેવામાં આવી હોવાથી પુલ પરથી કુદવાના કિસ્સા ભાગે જ બનતા હોય છે.
આપઘાત કરવામાં મોટેભાગે ડીપ્રેશન સામે આવે છે. ખાસ કરીને આર્થિક સંકડામણ અનુભવતા તથા ઘરેલું કંકાસને કારણે હતાશા અનુભવતા નાગરીકો છેવટે ડીપ્રેશનમાં સરી જાય છે. અને કોઈ રસ્તો ન દેખાતા છેવટે જીવન ટુંકાવવા જેવું પગલું ભરે છે.
નદીમાં ફસાઈ જતા મૃતદેહ સડી જાય છે
ક્યારેક આપઘાત કરનાર વ્યક્તિ કોઈના ધ્યાને ન આવે અને નદીમાં ક્યાંક ફસાઈ જાય ત્યારે મૃતદેહ સડી જવાની ઘટના બને છે. છઠ્ઠી જૂને એક આશરે પંદર વર્ષના બાળકની લાશ એલિસબ્રિજ નજીકથી કાઢવામાં આવી હતી. જે નદીમાં ક્યાંક ફસાઈ જતાં એેટલી ભયંકર રીતે સડી ગઈ હતી કે તેનું માથુ તથા બે હાથ સડી ગયા હતા. ૧૪મી મે ના રોજ ખોવાયેલા એ બાળકની લાશ આશરે ર૦ દિવસ બાદ સામે આવી હતી. પ્રથમ દ્રષ્ટીએ ઓળખી ન શકાય એ હાલતમાં રહેલી લાશના કપડાં પરથી ઓળખવિધિ કરવામાં આવી હતી. બાદમાં રામરહીમનગર ખાતે રહેતા તેના પરિવારને સોંપવામા આવી છે.